આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૯૨


દીઠો. ભારી એણે ભોંય પર ઉતારી, માથા પરની પાઘડી ઊચકી, અંદર સંતાડેલાં બે સુંદર ગુલાબો બહાર કાઢ્યાં, ફૂલો હાથમાં રાખીને એણે ચારે બાજુ નજર નાખી, પણ ત્યાં કોઈ નહોતું, ફરી એણે પાઘડી બાંધી. ભારી ઉપાડી અને હાથમાં ગુલાબ લઈ ચાલ્યો. આથમણે દરવાજે જ્યાં સંત્રી ટેલતો હતો ત્યાં આવ્યો. સંત્રીને એણે પૂછ્યું કે 'ભાઈ, અંદર લાલાજીની પાસે આ મારાં ફૂલોની ભેટ લઈ જઈશ ?'

સંત્રીએ કઠીઆરાને ના પાડી હાંકી કાઢ્યો. કઠીઆરાએ થોડાં કદમ દૂર જઈ, ઝાડ નીચે ઉભા રહી, લાલાજીની સામે મીટ માંડીને જોયા કર્યું. પછી એણે એ ફૂલો ઝાડના થડ ઉપર ધરી દીધાં, હાથ જોડીને લાલાજીને દૂરથી નમસ્કાર કર્યા અને ચાલ્યો ગયો. થોડી વારે લાલાજીએ પોતાના મદ્રાસી રસોયાને ઝાડ પાસે મોકલી બન્ને ફૂલો મંગાવી લીધાં, પોતે લખે છેઃ 'મારે મન તો એ ફૂલો મારા દેશબંધુના પ્યારનાં પ્રતીકો હતાં.'

માર્ગ પર નીકળનારાં હિન્દી કુટુંબો કેદીનું મકાન થોડે દૂર રહેતું ત્યારથી જ પોતાની ગાડીનો વેગ ધીરો પાડી દેતાં. ધીરે ધીરે ગાડીઓ ચલાવીને કેદીના દિદાર કરવાં મથતાં. સેંકડો આંખો એ પૂજનીય શરીરની શેાધમાં તીવ્ર વેગે મકાનની બારીએ બારીએ ભમી વળતી,