આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯

ધૈર્યનો સાગર


કરતો હતો. એકલદશા એણે પૂર્વે કદી જ નહોતી ભોગવી. હમેશાં સગાંસ્નેહીઓની ભરચક વસ્તીની વચ્ચે જ એના દિવસો વહ્યા હતા. એકલતા એને ખાઈ ગઈ હોત. પરંતુ એ એકાંતની ચીરાડો વચ્ચેથી વહ્યો આવતો જયોતિ- પ્રવાહ એણે છાનોમાનો પીધા કીધો. એ પ્રવાહ વહેવડાવનારાં કોણ હતાં ? વેદ, ઉપનિષદ્દ અને ગીતાનું અધ્યયન; બિલાડીનાં બે બચોળિયાં અને એક મેના.

બચોળિયાં બને ભાઈબહેન હતાં. એકનો રંગ સૂંઠ સરખો, વાઘણ શો હતો ને બીજાને શરીરે કાળા પટા હતા. કેદીએ એને ખવરાવવા માંડ્યું. ભાઈબહેન કેદીનાં પ્રેમી બની ગયાં. પરંતુ તુરત જ કેદીને માલૂમ પડ્યું કે આ પ્રેમમાં કાંટા યે રહ્યા છે. એ ભાઈબહેને તો પોતાના નવા ભેરૂ પાસે રાતનો સહવાસ પણ સ્વીકારાવવા જીદ બતાવી. રાતે ભેરૂની પથારીમાં જ સુવા અને મસ્તી કરવાનો આગ્રહ રાખ્યો. કેદીની થોડી ઘણી નીંદ પણ આ નવા દોસ્તોએ હરી લીધી, કેદીએ નિરૂપાયે રાત્રિ પડતાં દોસ્તોને બીજા ઘરમાં પૂરી દેવાનું આદર્યું. પણ થોડા દિવસમાં એ ડાહ્યા દોસ્તો પોતાના માનવ-મિત્રની તાસીર સમજી ગયાં અને આપોઆપ રાતે અળગાં રહેવા લાગ્યાં. બન્નેને પરસ્પર ચાટતાં, ચૂમતાં ને ગેલ કરતાં દેખી કેદી મિનિટો સુધી જોઈ રહે અને રાજી થાય, પરંતુ કેદી કહે છે કે ' કેટલી અજબ અસંગતિ ! ખાવાનું આપું તે વખતે બને કેટલા ઝનૂનથી