આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૦૨


મારવા જીવાડવાની સત્તા ધરાવતો હતો, છતાં અજબ વાત–કે બધાં સુલેહથી રહેવાનું શીખી ગયાં હતાં. મારી ખુદ બેડીઓ પણ મિત્ર બની ગઈ હતી. લાંબો સહવાસ કેવો આપણને આપણું અસલ સ્વરૂપ ધારણ કરાવી આપે છે ! હું છૂટયો-પણ એક નિઃશ્વાસ નાખીને.'

'પરંતુ આ પ્રકરણ ખતમ કરતા પહેલાં જો હું મને અગાધ બળ તથા સાંત્વન દેનાર બે વિભૂતિઓને વંદના દેતાં વિસરી જાઉં તો તો હું નગુણો ઠરું. એમાં એક હતા પ્રભુ શ્રીકૃષ્ણ, મહાન હિન્દી ગુરૂદેવ જેણે પોતાની ગીતા માંહેલી અમર ગાથાઓ વાટે મને વ્યવહાર-વિઘાના પાઠો ભણાવ્યા; અને બીજો સુવિખ્યાત કવિ હાફીજ, જેણે મને પ્યારના તથા પ્યારને પગલે હમેશાં ચાલી આવતી વેદનાઓનાં ગાન સંભળાવ્યાં. મારી વેદનાઓ પણ પ્યાર- માંથી ( સિદ્ધાંતો તથા સ્વદેશ પ્રત્યેના પ્યારમાંથી) જ જન્મેલી હતી ને તેથી જ હાફિજની આરજૂઓ ને આક્રંદ સીધાં મારા હૃદયના મર્મને સ્પર્શતાં અને મારામાં સાંત્વન ભરતાં. હાફિજને બચપણમાં પિતાજીની સાથે બેસી માણેલો તે કરતાં તો કારાવાસમાં ઘણો ઘણો વધારે રસથી માણ્યો. બીજા અનેક ગ્રંથકારો, જેમના ગ્રંથોએ મારા જીવનની આ પ્રથમ પહેલી એકલદશામાં મને સંગાથ દીધો, તેનું ઋણ પણ હું કેમ ભૂલું ? જેને જેને જીવનની હરકોઈ હાલત વચ્ચે પણ આવી મહાન વિભૂતિઓનો પવિત્ર સમાગમ સુલભ છે, તેણે કદી પણ હતાશ થવાની જરૂર નથી.'