આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩

ધૈર્યનો સાગર


સ્વભાવે ઉગ્ર, શરીરે રોગી, સ્થિતિના અમીર અને જાહેર જીવનમાં બિલોરી કાચ શા નિર્દોષ લાલાજીએ આ સરકારી સખતાઈ અને આ અપમાનિત બંદીજીવનમાંથી પણ અપાર જ્ઞાન, શક્તિ અને શાંતિ કામ્યાં અને કારાવાસ દરમિયાન નાનાથી માંડી મોટા સુધી જેની જેની સાથે પનારાં પડયાં તેની સમાલોચના લેવામાં કેટલો સમતોલ વિવેક દાખવ્યો તેનું દષ્ટાંત તો એમણે પોતાના ગોરા દરોગાની સતાવણી પર લખીને લીધું છેઃ

'હું માનું છું કે એ સાચેસાચ દુષ્ટ નહોતો, એકંદર તો એ મારા આરોગ્ય માટે અત્યંત કાળજી બતાવતો, અને મને લાંબી લટારો લેવાનો આગ્રહ કરતો. મને ખરાબ ખોરાક મળે અથવા મને ભાવતી ચીજો ન અપાય એવી કાંઈ એની ઈરાદાપૂર્વકની ગોઠવણ નહોતી; પરંતુ ખરી વાત એ છે કે એ બિચારાને આ તપાસ રાખવાનાં સમય કે સાધન નહોતાં, વળી ત્યાર પછી એને જેલ-સુપરી. તથા સિવિલ સર્જન બન્નેની કામગરીનો બેાજો વધ્યો હતો. મને નથી માલૂમ કે એને રાજદ્વારી કેદીઓની સંભાળ બદલ કાંઈ ફાલતું ભાથું મળતું હતું કે નહિ. જો ન મળતું હોય તો પછી મારી સંભાળની તકલીફ સ્વાભાવિક રીતે એને ન જ ગમે. ઉપરાંત વળી રાજદ્વારી કેદીએાના સંબંધમાં એટલી બધી ખાનગી રાખવાની હોવાથી પણ એની માથાકૂટ વધતી હતી. તે ઉપરાંત એની પ્રકૃતિને વિકૃત કરનાર