આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૦૪


મોટામાં મોટું કારણ એ હતું કે એ બિચારો જેલનો ઉપરી હતો. એને હજારો કેદીઓ સાથે કામ લેવાનું હતું, એ કેદીઓ પર એની બહોળી સત્તા હતી. એ કેદીઓ તરફ સભ્યતા બતાવવાનું આવશ્યક નહોતું, કેદીની રોજિંદી જરૂરિયાતનો એનો ખ્યાલ એણે રોજના અનુભવ ઉપરથી બાંધેલો હતો એટલે કોઈ પણ કેદી બરફ લેમન અથવા મેવાની માગણી કરી શકે એ તો એને મન ધૃષ્ટતાની અવધિ સમ હતું વગેરે.'

રાજસત્તાએ એને પીંજરે નાખી એનું જોર હણી નાખવાની ગણતરી રાખી હશે. કારાવાસના ગૌરવ તે સમયમાં હજુ સમજાયાં નહોતાં. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો યુગ ચાલતો હતો. પરંતુ લાલાજી તો વજ્રમાંથી ઘડેલા હતા. બહાર આવીને એણે ઈશ્વર પાસે આવી પ્રાર્થના કરી:

'એક હિન્દુ તરીકે પ્રભુ પાસે મારી એક જ પ્રાર્થના છે કે હું ફરી ફરી આ વેદોની ભૂમિમાં અવતાર પામું અને આખી પ્રજાના કર્મ-સમુચ્ચયમાં મારાં અલ્પ કર્મોનો પણ હિસ્સો નોંધાવું.'

પોતે વિજયની કલગીથી વિભૂષિત બનીને બહાર આવ્યા. પંજાબના જાટ ખેડૂતો પર કરવધારાનો જે સરકારી ખરડો લાલાજીના કારાવાસના ઉગ્ર કારણ રૂપ હતો, તે તો સરકારે પાછો ખેંચી લીધો અને છેક પાલૉમેન્ટમાં સુદ્ધાં પંજાબ સરકારની ફજેતી થઈ.