આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમેરિકામાં

બીજાં સાત ચોમાસાં એ પંચ મહાનદની ભૂમિ પર વરસીને ચાલ્યા ગયાં અને માંડલેની દુઃખ-સરાણ પર સજાઈને બહાર આવેલી તલવાર અવિરત કર્મ-રણમાં ઘૂમવા લાગી. ખૂબ ધૂમી, ખૂબ ધૂમી, પણ હદપારીના અને દેશનિકાલીના પગધબકારા એની પાછળ પાછળ ગાજતા હતા. પરદેશની નવી શિક્ષણ-પદ્ધતિઓથી વાકેફ થવા માટે લાલાજી જાપાન-અમેરિકા જાય છે અને પાછળથી મહાયુધ્ધ ફાટી નીકળે છે. સરકારને પંજાબમાંથી યુરોપની રણભોમ પર લઈ જવા પંજાબી નૌજવાનોનાં કદાવર કલેવરો હજારોને હિસાબે જોઈતાં હતાં. લાલાજીની હિન્દ ખાતેની હાજરી સરકારને પાલવતી નહોતી. એને અમેરિકામાં જ રોકી રખાવ્યા. દેશનિકાલી એને છેક ત્યાં જઈને ભેટી પડી અને વીરોના પણ એ વીરે એનાં જે વધામણાં કર્યા તે પણ કાંઈ જેવાં તેવાં નહોતાં. માંડલેનો છૂટકારો તો વર્ષે બે વર્ષે પણ સંભવિત દેખાતો, પણ આંહીં તો યુદ્ધવિરામની આશા દૂર દૂરના ક્ષિતિજ પર કયાંયે કોર કાઢતી દેખાતી નહોતી. 'કુછ પરવા નહિ !' કહીને લાલાજીએ આ કાળાં પાણીનો અનંત સાગર તરવા માંડયો. પૈસા નહોતા. ગરીબીમાં ગળાબૂડ બન્યા. હાથે રાંધે, હાથે કપડાં ધોવે, હાથે