આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭

અભય


કુરાનના ઉદાર અર્થ કરવા છોડીને એ પુરુષ કોમી ઝનૂન જાગૃત કરવા બેઠા. ઐક્યનું સ્વપ્ન ઊડી ગયું. વીસ વરસના લાજપતે જોયું કે પોતાની આરાધ્ય પ્રતિમાના ટુકડા થઈ ગયા. એણે સર સૈયદ પર ખુલા પત્રો લખ્યા, સર સૈયદની નવી પ્રવૃત્તિને એણે ધિક્કારી કાઢી. પરંતુ એ ધિક્કાર કોઈ દુશ્મનનો, ગુસ્સા ને દ્વેષથી ભરેલો સસ્તો ધિક્કાર નહોતો, એ તો ઘવાયેલા મિત્ર–હૃદયના રૂધિર વડે લખાએલો, બહુમૂલો તિરસ્કાર હતો.

*

'કોણ છે આ લાજપતરાય ?' તાડૂકીને એક આદમીએ કરડો અવાજ કાઢ્યો.

એ અવાજ ફિરોઝશા મહેતાનો હતો ઈ. સ. ૧૯૦૪ નું વર્ષ હતું : મુંબઈ મુકામે મહાસભા મળી હતી. મુંબઈના સિંહ સર ફિરોઝશાની આણ વર્તતી હતી. એના પ્રભાવશાળી વ્યક્તિત્વના તાપમાં દેશના તમામ નેતાઓનું તેજ કરમાતું હતું. પોતાની દલીલશક્તિના અગ્નિ વડે એ પુરુષ સહુ કોઈને ડારતા હતા, એની સામે ઊઠનારની આબરૂના કાંકરા થઈ જતા હતા પરંતુ આ અધિવેશનમાં એને પોતાનો પ્રતિસ્પધીં લાધ્યો. વિષયસમિતિની બેઠકમાં મહાસભાના બંધારણનો પ્રશ્ન સળગ્યો હતો. વૃદ્ધ ફિરોઝશા શહેનશાહી અવાજે તાડૂકી ઊઠ્યા કે 'મારા મંતવ્ય ઉપર આટલી ધૃષ્ટ ટીકા કરનાર આ લાજપતરાય કોણ છે ?'