આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૨૪


મારા પ્રત્યે સહાનુભૂતિ ન હોય તો મારે જલદી એનાથી છૂટા થઈ જવું. ઈશ્વરની સાક્ષીએ હું કહું છું કે હું આર્યસમાજમાં આગેવાનીને લોભે નહિ પણ મારા જીવનને પવિત્ર બનાવનારા એના સિદ્ધાંતને ખાતર જ દાખલ થયો હતો. જો મેં એને માટે કશું કર્યું હશે, તો તેથી મેં મારા જીવનને વિશુદ્ધ બનાવ્યું છે. જે કાંઈ અલ્પ શુભ તત્ત્વ હું આજે ધરાવું છું તે મારાં માતપિતાને તથા આર્યસમાજને જ આભારી છે. × × × માટે એ હજારોમાંથી જો કોઈએ પણ મારી નિન્દા કરી હોય, તો આ વ્યાસપીઠ પરથી પ્રભુની સાક્ષીએ હું એને ક્ષમા આપું છું. આજે વિવાદનો કે પરસ્પર કૃતઘ્નતાના આક્ષેપોની ફેંકાફેંકીનો નહિ, પણ પરસ્પર ભેટી લેવાનો સમય છે. છેલ્લાં પચીસ વર્ષ સુધી મેં આર્યસમાજની યત્કિંચિત સેવા કરી છે. જો કે હું મારા આટલા ઉપકારક ધર્મનો ત્યાગ નથી કરી શકતો, તે છતાં જો આર્યસમાજનો કોઈ નેતા એમ કહે કે મારા રાજકારણી વિચારોથી સમાજને સહન કરવું પડ્યું છે, તો હું આ ક્ષણે જ સમાજ સાથેનો મારો સંબંધ છેદી નાખવા તૈયાર છું.'

*

સાચી નિરભિમાન વીરપૂજા એમણે ઈ. સ. ૧૯૦૭ માં સ્વ. ગોખલેજીની લાહોર ખાતેની પધરામણી વખતે કરી દેખાડી હતી. હજારો લાહોરી પ્રજાજનોએ સ્વ. ગોખલેજીનું સ્વાગત કર્યું. સ્ટેશન પરથી સરઘસ કાઢ્યું. એ સરઘસની અંદર લાલાજી ક્યાં હતા ? બેઠા