આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૨૬



હસીને લાલાજી બોલ્યા 'ઓ ભાઈ ! ગોખલેજી જેવા પુનિત નરનું મારે આંગણે તેડું કરવાનો આથી વધુ રૂડો બીજો કયો અવસર આવવાનો હતો ?'

ગોખલેજી ગયા. લાલાજીએ કામ શરૂ કર્યું. વીસ નહિ પણ ચાલીસ હજાર રૂપિયા મેળવી આપ્યા.

મહાયુદ્ધનાં વર્ષોમાં પોતે અમેરિકાની હદપારી ભોગવતા હતા. જન્મભૂમિને માટે ઝૂરતા હતા. પરંતુ મહાયુદ્ધ શમ્યા વગર એ ચક્રવાકને વિયોગની અંધારી રાત્રિનો અંત જડવાનો નહોતો.

ડો. હાર્ડીકર અમેરિકાનાં સ્મરણોમાં લખે છેઃ

'અમે એક જ મકાનમાં સાથે રહેતા હતા. હાથે જ રાંધતા, ધોતા ને વાસણ માંજતા, હું પોતે તો ગરીબ કુળમાં જન્મેલો અને શરૂઆતથી જ ભિખારી, એટલે આ વિંટબનાઓની હું તો કશી પરવા નહોતો કરતો. પરંતુ લાલાજીની શારીરિક તેમ જ માનસિક કાળી યાતનાઓ મારાથી દીઠી જતી નહોતી. મેં મારા ભાઈ પર પૂના પત્ર લખ્યો તેમાં અમારી દિનચર્યાનું વર્ણન આપ્યું અને લાલાજીના પરિતાપોનું ચિત્ર આંક્યું. બન્યું એવું કે મારા ભાઈ એ પત્ર લોકમાન્ય તિલકની પાસે લઈ ગયા. લોકમાન્ય એ આખો અહેવાલ શાંતિથી વાંચી ગયા, દિલગીર થયા, અને તાબડતોબ એમણે મીસીસ ઍની બેસન્ટની મારફત પાંચ હજાર ડોલર લાલાજીને પહોંચાડવાની ગોઠવણ કરી.