આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯

ઔદાર્ય



જાહેર જીવનના વિરોધીઓને સ્વદેશ માટે સહન કરતા દેખી વિરોધનું ઝેર નીતારી નાખવું અને પ્રેમની ધારાઓ વહેતી મૂકવી, એવી દિલાવરી બહુ થોડાને વરી છે. લાલાજીનું દરિયાવ દિલ એનાં દાનપૂન્ય અને બલિદાનો કરતાં સવિશેષ આ દ્દષ્ટાંતોમાં પ્રકટ થાય છે. એના પંજાબી બંધુ લાલા ગોકલચંદ સાચું જ લખે છે કે 'લાલા લાજપતરાયનું હૃદય મીણ અને વજ્રની વિલક્ષણ મિલાવટથી બન્યું હતું. પારકાનું જરા જેટલું દુઃખ દેખતાં જ એ હૃદય પીગળવા લાગતું જ્યારે ખુદ પોતાના ઉપર આવી પડતી ચાહે તેવી હાડમારીનો સામનો એ ટટ્ટાર છાતીથી કરી શકતા.'

*

'જોયા આ અસહકારી લાલા ! આંહીં પારકાં છોકરાંને નિશાળો છોડાવીને જતિ કરી મૂકવા તૈયાર થાય છે, અને પોતાનો પૂતર તો લહોરથી અમેરિકામાં બેઠો બેઠો ભણે છે !'

અસહકારના પૂર અાંદોલન વખતે, જ્યારે સરકારી અદાલતો, નિશાળો અને નોકરીઓનો ત્યાગ થઈ રહ્યો હતો, ત્યારે કોઈએ છાપામાં આવો ટોણો માર્યો, અમેરિકામાં કેળવણી લેતો પુત્ર અને હિન્દુસ્તાનની સરકારી શાળાનો બહિષ્કાર, એ બે વચ્ચે જરા જેટલી પણ લેવાદેવા નહોતી. મેણું મારનાર કોઈ બિનજવાબદાર ગમાર હશે અથવા વિરોધી દળોનો ટીકાકાર હશે. ગમે તે હો, પણ લાલાજીથી એ કટાક્ષ ન સહેવાયો. એણે પોતાની સચ્ચાઈ પર સંંદેહ