આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯

વીર–મૃત્યુ


દઈ એવો નિશ્ચય કરી બેસશે કે સ્વાધીનતા હાંસલ કરવાને માટે તો જે કાંઈ કરવું પડે તે બધું ઠીક જ છે, તો એમાં કશા આશ્ચર્યની વાત નહિ લેખાય. હું એ દિવસ જોવા જીવતો રહીશ કે નહિ તે નથી જાણતો; હું જીવતો રહું કે મરી જાઉં, પણ જો કદાચ મારા દેશના નૌજવાનોને લાચાર બનીને એવા દુર્દિનનો સામનો કરવો પડશે, તો મારો આત્મા જ્યાં હશે ત્યાંથી તેઓને યુધ્ધમાં વિજય સાંપડવાના આશીર્વાદ દેશે.'

લાઠીના ઘાએ એ જીર્ણ દેહને તે દિવસથી જ ખળભળાવી નાખ્યો હતો. છાતીમાં સોઝો આવી ગયો હતો. દિન પ્રતિદિન એની અસર વધતી જ ચાલી, કેમકે આશાએશ લેવાની સલાહ એમણે માની જ નહિ, નેહરૂ રીપોર્ટને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો આડે એને પોતાના પ્રાણની રક્ષા સાંભરી નહિ. દિલ્હીમાં મળેલી મહાસમિતિમાં પોતે હઠ કરીને હાજરી દેવા ગયા. ત્યાંથી આવ્યા પછી એ પટકાઈને પથારીવશ બન્યા. તા. ૧૭ મી નવેમ્બરનું પ્રભાત હતું. વ્યથા વધતી હતી તે પોતે પથારીમાં પડ્યા પડ્યા મૌન મુખે સહન કરી રહ્યા હતા. એમ કરતાં પીડા અસહ્ય થઈ પડી. અબોલ લાલાજીએ બેઠા થઈને પલંગમાં પલોંઠી ભીડી, આખે માથે કામળો એાઢી લીધો, થોડીવારે ઢળી પડ્યા, આંખો મીંચી દીધી, પોઢી ગયા. મૃત્યુની ગોદમાં.