આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ભક્તવીર ક્ષત્રિકુળ


છે અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રિના પેટનો હો તો આવી જજે!'

ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકાના ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી બન્ને સાથીઓની સાથે રવાના કરાવી સંગ્રામસિંહ એકલો ચાલ્યો, ક્યાં ચાલ્યો ? એના ઓડા બાંધીને આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં ! ચોકીપહેરા ફોગટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મેાં પરથી કામળી ઉઘાડીને પડકાર કર્યો, 'જોઈ લે રજપૂત ! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે.'

આલમસિંહ ચમકી ઊઠ્યો. મેાંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી શી ઝબુકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બની પાછે હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને 'દોડો દોડો ! પકડો પકડો ! ઓ જાય ! ઓ જાય.' એવા એવા હાકલા થવા લાગ્યા, પણ કોને પકડે ? દાંતોમાં દઈને ગયો.

આખરે પોલિસની આવ-જા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણે જીલ્લામાં નવી પોલિસની ભરતી થઈ. હજારો પોલિસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા.