આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯

શ્રદ્ધાંજલિ



'યુનીવર્સીટીની ઉચ્ચ કેળવણીનો લાભ એને મળ્યો નહોતો, પરંતુ એ ન્યૂનતાને એણે પોતાના સ્વયંશિક્ષણ થકી ને વિશેષે કરીને તો વિદેશના અનુભવો થકી પૂરી લીધી હતી.

'એના પ્રત્યેક બોલની પાછળ એક સાચું ને સળગતું વ્યક્તિત્વ ઊભું હતું. પોતાના અભિપ્રાય પર મક્કમ રહીને મરી ફીટવાની શક્તિ આપનાર આત્મશ્રદ્ધા અને અડગ હિમ્મતમાંથી ઘડાયેલું એ અદમ્ય વ્યક્તિત્વ હતું. એ ગરીબોનો બંધુ હતો - અસમાનતાને ધિ:કારનાર અને સામાજિક સમાનતાને માટે મથી જનાર એ સાચો લોકશાસનવાદી હતો.'

[ તેજબહાદૂર સપ્રુ]

'લાજપતરાય સંગ્રામ કરતાં શાંતિને વધુ ચાહતા. એ હિંસાવાદી તો કદી પણ નહોતા. એ જાણતા હતા કે હિન્દને સશસ્ત્ર બળવાથી કે ગુપ્ત ખૂનખરાબીથી મુક્તિ નથી મળવાની. અત્યંત સમતોલ મગજનો એ પુરૂષ હમેશાં ચાલુ વસ્તુસ્થિતિને સમજતો હતો. કુદરતી રીતે ધર્મ પ્રત્યે ઢળેલા મનવાળા એ પુરુષની એવી પણ માન્યતા નહોતી કે પોતાના દેશ પર પ્રેમ રાખવાને ખાતર અન્ય દેશો પ્રત્યે ધિઃકાર સેવવો અનિવાર્ય છે. પોતાની જાત માટે એ હમેશાં નીચી જ આંકણી રાખતા, પોતાનું ચાલતાં સુધી અગ્રપદે કદી ન ઉભા રહેતા.'

[ બિપીનચંદ્ર પાલ ]