આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા

૧૨


મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈ નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાયા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ છ સાથીએાની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલિસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલિસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તલવાર ખેંચવા જાય તો તલવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીની ઝીંક બોલાવી. પાંચે સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ ચાર સિપાઈઓને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી. પણ આખરે પોતે ક્ષત્રિવટ ચુક્યા. 'ગોળીબાર'નો હુકમ દીધો. ૨૫ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો. એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર ૨૫ જખ્મો જોઈને કહ્યું 'કાં ! પકડાઈ ગયો ને !' ત્યારે એ વીર ક્ષત્રિએ જવાબ વાળ્યો કે 'એમાં શી બહાદુરી કરી ! એક વાર મારા હાથમાં તલવાર આપો, ને પછી મારી સામે વીસ આદમી આવી જાવ ! જોઉં મને કોણ પકડે છે !'