આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૭

ધંધાની શોધમાં


મિત્રના બન્ને હાથ પકડીને મેં એને એના પલંગ પર ધકેલી દીધો, અબળા થરથર કમ્પતી અંદર નાસી ગઈ, ને હું બહાર જઈને બેઠો આખું જીવન-પટ કલ્પનામાં રમવા લાગ્યું. મદ્ય પર ધિક્કાર વછૂTયો. લાગ્યું કે આ એક સીસો ખલ્લાસ કરી સદાને માટે પ્રલોભનથી મુક્ત થઈ જાઉં. એમ વિચારી પ્યાલી ભરી, ત્યાં તો જાણે કોઈનો પડછાયો પડ્યો. અંતઃકરણના પટ પર એ કોણ ઊભું હતું ? કોઈ પ્રભાવશાળી પુરૂષસિંહ ! કેવલ એક કોપીનભર: દેહ પર વિભૂતિ : ને હાથમાં મોટો દંડ ! આછું આછું હસતી અને મારા પર નજર ઠેરવતી એ તેજમૂર્તિના મુખમાંથી ગંભીર નાદ નીકળ્યો 'હજુ યે શું પ્રભુ પર તારો વિશ્વાસ નહિ બેસે ?' એટલું બોલીને એ આકૃતિ અંધકારમાં અલોપ થઈ ગઈ. મેં એને ઓળખ્યા. મહર્ષિજી દયાનંદજીની જ એ આકૃતિ હતી. મદિરાની પ્યાલી ઉઠાવીને મેં જોરથી ઘા કર્યો. સામી દિવાલે પટકાઈને એના ટુકડા થયા. પછી સીસાનો ઘા કર્યો, એના પણ ચુરા થયા. અનુતાપની આગ સળગી ઊઠી. પરંતુ ખોવાઈને મળી આવેલા પોતાના લોથપોથ બાળકને કપાળે કેમ જાણે જગજ્જનીનો કોમલ કર–સ્પર્શ થયો હોય તેવી મધુર નિદ્રા મને આવી ગઈ. બીજા દિવસનું પ્રભાત મારા પરિવર્તનનું પણ રમ્ય પ્રભાત જ બની ગયું. ૧૮૮૮ના ડીસેમ્બરમાં એ અંધાર–રાત્રિનો છેલ્લો પ્રહર ખતમ થયો. ને હું લાહોર ચાલ્યો ગયો.