આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૬૪


હતા. પણ બિમારી દરમ્યાન ભૂલી ગયેલા તે એમને અત્યારે યાદ આવ્યું. દૂભાઈને એ બોલ્યા :

'કેમ મારૂં ધન એ તારૂં નથી ? તો પછી એમાંથી દાન દેવાનો તારો અધિકાર કેમ નહિ ? સાચું કારણ કેમ કહેતો નથી? શું તને એકાદશી અને બ્રાહ્મણપૂજા પર વિશ્વાસ નથી ?'

'બ્રાહ્મણત્વ પર તો વિશ્વાસ છે, પરંતુ જેઓને આપ આ દાન દેવા માગો છો તેઓ મારી દૃષ્ટિએ બ્રાહ્મણ નથી. અને એકાદશીના દિવસમાં કાંઈ વિશિષ્ઠતા પણ નથી.'

સાંભળતાં જ પિતાજી ચકિત થઈ મારી સામે નિહાળી રહ્યા. મારાં નેત્રો નીચાં ઢળ્યાં. પિતાજી બોલી ઊઠ્યાઃ

'મેં તો મોટી આશાએ તને નોકરી છોડાવી વકીલાત પર વાળેલો. તારી પાસેથી ઘણી મોટી સેવાની મને આશા હતી. એ બધાનું શું આ ફળ મળ્યું ? સારૂં, જાઓ !'

બે ત્રણ દિવસ સુધી તો પિતાજીએ મારી સાથે અબોલા રાખ્યા. હું પણ તેમની સન્મુખ જતાં શરમાયો, પરંતુ મારા ઉપરના એમના વાત્સલયની સામે આ અબોલા ટકી ન શક્યા. નિર્જળા એકાદશીનો પ્રસંગ તો જોતજોતામાં વિસારે પડી ગયો. મારી રજાઓ પણ પિતાજીની સારવારમાં તેમજ ઋગવેદ ઇત્યાદિના વાચનમાં ખલાસ થઈ ગઈ અને મારી વિદાય વેળાએ કસોટીનો બીજો અવાજ આવી પહોંચ્યો. એ અવાજ વધુ ઘોર હતો.