આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૮૨


એમ જ બન્યું. મારી કમાઈ રૂા. ૫૦૦ થી ઉતરીને ૧૫૦ જેટલી થઈ ગઈ. મારા મુન્શીને મેં રૂખસદ આપી. છતાં મને કશો શેાચ નહોતો. હું જાણતો હતો કે 'સબ દિન હોત ન એક સમાન !' બે માસમાં જ લોકો મારા કૃત્યને વિસરી ગયા અને ફરીવાર મારી પ્રતિષ્ઠા ચડવા લાગી.

ત્યાર પછીનાં દસ વર્ષો મારા સંસારી અને ધાર્મિક જીવનની એક અનોખી તવારીખ સરજે છે. વકીલાતની ઉત્તરોત્તર ઉજ્જવલ સફલતા : ધર્મોપદેશ : આર્યસમાજની ભિન્ન ભિન્ન શાખાઓમાં પ્રાણસંચાર : મેળામાં વેદધર્મનો પ્રચાર : ઉત્સવો : જાલંધર કન્યામહાવિદ્યાલયની સ્થાપના : 'સદ્ધર્મપ્રચારક' પત્રનો જન્મ : અને શાસ્ત્રાર્થની ધૂન : ઇત્યાદિ અખંડિત પ્રવાહમાં પ્રવૃત્તિ કરતો ગયો. પરંતુ મારા અંતરમાં જાણે કે દેવદાનવનો સંગ્રામ જામતો હતો. તા. ૧૧-૧-૧૮૯૧ની રોજનિશિમાં મેં લખ્યું છે કે 'જો કે મેં આ દરમિયાન આર્યસમાજની અત્યંત સેવા કરી છે, એકલે હાથે જ 'સદ્ધર્મપ્રચારક'નું સંપાદન કર્યું છે, વર્ણવ્યવસ્થા પર એક પુસ્તક પણ લખ્યું છે, શાસ્ત્રાર્થો પણ કર્યા છે, વેદધર્મપ્રચારનાં ઘણાં ઘણાં વ્યાખ્યાનો દીધાં છે, પરંતુ શું મારી આત્મિક અવસ્થામાં વાસ્તવિક ઉન્નતિ થઈ છે ખરી ? હે અમારા અંતર્યામી ! તું એક જ જાણે છે કે આ ઉપલક દેખાવની પાછળ કેટલી અપવિત્ર ચેષ્ટાઓ છુપાયેલી છે, હે પ્રાણેશ્વર ! મને બલ આપ કે જેથી હું ધર્મમાર્ગ પર ચાલી શકું ને દૃઢ રહું.'