આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીચે ઊતરી ગયો. ભદ્રંભદ્રે મારા કાનમાં કહ્યું, 'વાયવે નમઃ વાયુદેવ આપણને સહાય થવા આવ્યો છે માટે હવે ચિંતા ન કર. વાયુદેવે દીવો હોલવ્યો છે અને મને એક ઉપાય સુઝાડ્યો છે. દીવો હતો ત્યારે મેં જોઈ લીધું છે કે આપણા માથા પર કાતરીઆમાં જવાનું બાકું છે. એ વૈકુંઠનું દ્વાર છે એમ સમજજે. તેમાં થઈ આપણે ઉપર ચાલ્યા જઈએ. ત્યાંથી વાયુદેવ આપણને અદ્ધર ઉપાડી જશે. તું આ કોઠી પર ચઢી પહેલો ઉપર જા અને પછી હું આવું છું. રાજસભામાં રાજાની પહેલાં પ્રવેશ કરવાનો પ્રતિહારીનો અધિકાર લઈ લઉં તો અન્યાય થાય.'

એ અધિકાર ઇષ્ટ છે ખરો કે નહિ તેનો વિચાર કરતો અને ઉપર કેવું અંધારું હશે તે વિષે તર્ક બાંધતો હું કોઠી પર ચડીને કાતરીઆમાં કૂદી ગયો, પછી ભદ્રંભદ્ર કોઠી ઉપર ચઢ્યા. ઊભા થઈને મને કહ્યું, 'મહાપુરુષો કૂદી શકતા નથી, તું મને ખેંચી લે.'

આજ્ઞા ઉલ્લંઘાય તેમ નહોતું. મેં વાંકા વળી, ભદ્રંભદ્રને બે હાથે ખેંચ્યા. પોતાના શરીરને ઊંચી ગતિ આપવાને ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો તેથી જાણે હસવું આવ્યું હોય તેમ કોઠી વાંકી વળી અને ભદ્રંભદ્રના પગ ફરીથી તે પર પડ્યા એટલે જાણૅ હસવું ન માતું હોય તેમ કોઠી આળોટી પડી. પૂર્વકર્મ મુનિને સ્વર્ગમાંથી નીચે પાડે છે તેમ ભદ્રંભદ્ર મને કાતરીઅમાંથી નીચે ઉતારી કોઠી પર પડ્યા. કોઠી પર પહેલું કોણ પડ્યું તે મને યાદ રહ્યું નથી. પણ કોઠી ભાંગી ગયા છતાં તેના ઠીકરાં મારા કરતાં વધારે ભદ્રંભદ્રને વાગ્યાં. તેથી કોઠી પર તે પ્રથમ પડ્યા હશે એમ અનુમાન કરું છું. અવાજ ઘણો થયો અને હેઠળ 'કોણ છે' ની બૂમો સંભળાઈ તેથી ભાંગેલી કોઠીની સંભાલ લેવાનું મૂકી દઈ હું બીહી કોઠી ખેસવી લાવી તે પર ચઢી ફરી કાતરીઆમાં કૂદી ગયો. ભદ્રંભદ્ર પણ મહાપુરુષત્વ મૂકી દઈ મારી પછાડી કૂદી આવ્યા અને અમે બંને બાકાથી આઘે જઈને એક ખૂણામાં ભરાયા. કેટલાક માણસો આગલા દાદર પર આવ્યા એમ પગના અવાજ પરથી જણાયું. પાસે દીવો છતાં કોઠીવાળા ઓરડામાં આવવાની કોઈને હિંમત ચાલતી નથી એ જાણી અમે ધીરજ ધરી. વિપત્તિ છતાં તેમની વાતોથી રમૂજ પડતી હતી. એક જણ કહે, 'અલ્યા જાને અંદર જોઈ આવને, બીએ છે કેમ?' તેણે ઉત્તર દીધો, 'શેઠ, બીવાનું ન હોય તો તમે જ જુઓ ને.'

'તારું ચાકરનું કામ છે. તું જા.'

'ચાકરે કંઈ ગુનેગારી કરી? કોણ જાણે શું યે હશે.'

'હું બીતો નથી ને તું કેમ બીએ છે. ચોર હોય તો પકડો ! નીકળો! કોણ છે?'

એક છોકરો રડી રડીને બોલ્યો, 'બાપા તમે અંદર ના જશો. કોઈને મોકલો.'

શેઠ કહે, 'હું જાઉં એવો કાચો નથી તો. બોલાવો પોલીસને.' કોઈ ઉપર આવી અમને શોધી કહાડશે તો અમને કેવો આવકાર દેશે, ખુલાસો પૂછ્યા અને સાંભળ્યા વિના અમને અનેક રીતે સ્પર્શ કરવાને કેવા આતુર થઈ જશે, એ વિચાર પોલીસનું નામ સાંભળતાં મારા મનમાં પ્રબળ થવા લાગ્યો અને તેથી હું ધ્રૂજવા લાગ્યો. ભદ્રંભદ્ર ધ્રૂજતા હતા કે નહિ એ અંધારામાં જણાતું નહોતું અને એવા