આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રશ્ન હાર્યાં છતાં તે પૂછવા લાગ્યો. મેં ઉત્તરમાં એ જ સિદ્ધાંત કહ્યાં કે, "વેદની પહેલાંનાં પુસ્તકો કે વૃતાંત જડતાં નથી માટે વેદ અનાદિ છે એ સ્વતઃસિદ્ધ છે; તથા શબ્દ નિત્ય છે તેથી તેનું ફળ પણ નિત્ય છે. તેથી વેદરૂપ બ્રહ્મનો ઉચ્ચાર બ્રહ્મત્વની નિત્ય પ્રાપ્તિ કરાવે છે. એ તો બે ને બે ચાર એના જેવું સમજાય એવું છે. આર્ય શબ્દો કંઈ પાશ્ચાત્ય શબ્દોના જેવા નથી કે અર્થ સમજ્યા પછી અને ચિત્તથી ભાવગ્રહણ થયા પછી તેમની અસર થાય. પાશ્ચાત્યોને તો 'સત્ય' શબ્દનો ઉચ્ચાર કર્યા પછી તેનો અર્થ જાણવો પડે છે. તેનું મહત્ત્વ ચિત્તમાં દૃઢતાથી ગ્રહણ કરવું પડે છે અને તે પ્રમાણે આચાર-વિચાર કરવા પડે છે ત્યારે ફળ મળે છે. 'ક્વિનિન' શબ્દનો ઉચ્ચાર કર્યા પછી તે શરીરમાં દાખલ કરવું પડે છે, ત્યારે તેની અસર થાય છે, પણ આર્યોને તો 'ઓમ્' ઉચ્ચાર કરતાં જ મોક્ષ મળી જાય છે. અર્થ પણ જાણવો પડતો નથી અને પ્રયત્ન પણ કરવો પડતો નથી." મારા આ અને આવા સર્વ નિશ્ચલ સિદ્ધાંતો સૂત્રોના આકારમાં એકઠા કરી તેનું પુસ્તક મેં પૃથ્વીના એકેએક દેશમાં દિગ્વિજય માટે મોકલ્યું છે. સુધારાવાળા તો ભયથી ચકિત થઈ ગયા છે.'

૧૯ : વલ્લભરામના દાવા

લોકહિતાર્થ પ્રયત્નમાં આજની મહેનતથી ભદ્રંભદ્ર થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ કંઈ ભાવ થયો હતો. વળી અકસ્માતને નસીબ મારફત કપાળ જોડે સંબંધ છતાં તેથી તૃપ્ત ન થઈ આજના અકસ્માતે ભદ્રંભદ્રના પગ અને વાંસા સાથે સંબંધ કર્યો હતો. વિધાત્રીના લેખ સરખા ઊંડા લિસોટા ત્યાં પ્રગટ કર્યા હતા અને ભવિષ્ય પડતું મૂકી તાત્કાલિક વેદના ઉત્પન્ન કરી હતી. આ કારણોથી ઘેર જવા તરફ ભદ્રંભદ્રની વૃત્તિ મંદ હતી. પરંતુ વલ્લભરામ સાથે અમારે ઓળખાણ છતાં એટલો પરિચય નહોતો કે ભોજન કરાવે. ’ભોજન તો કરવું નથી માટે રાત્રે અહીં જ રહીએ તો કેમ.’ એવું અને એવી મતલબનું ભદ્રંભદ્રે મને એક-બે વખત પૂછ્યું. પણ વલ્લભરામે ભોજન કરવાની વિનંતી કરી નહિ તેમ રાત્રે રહેવાની સૂચના વિશે પસંદગી પણ બતાવી નહિ. વલ્લભરામ આર્યપક્ષના સમર્થક હોવાથી ભદ્રંભદ્રને તેમને માટે પૂજ્યવૃત્તિ હતી તે નીચી પડી જવાની ધાસ્તીમાં હતી. પણ રાત્રે તારાના ભારથી વળી જઈ પૃથ્વી પર તૂટી પડતા આકાશને દિવસે સૂર્ય આવીને ટેકવી રાખે છે તેમ આ પૂજ્યવૃત્તિનું અધઃપતન થતાં પહેલાં ત્રવાડી આવી પહોંચ્યા અને તેમણે તે વૃત્તિને ઊંચી રાખી. ’કેમ વલ્લભ શોખી ! શી તરકીબ ચાલે છે ?’ એમ બોલતાં તેમણે પ્રવેશ કર્યો પણ અમને જોઈ તે બોલતાં અટક્યા. નમસ્કાર કર્યા અને પાસે આવીને બેઠા અને બધી હકીકત ટૂંકમાં સાંભળી લીધી. વલ્લભરામ અને ત્રવાડી બીજા ઓરડામાં જઈ મસલત કરી આવ્યા અને અમને ભોજન કરવાનો તથા રાત્રે રહેવાનો બહુ આગ્રહ કર્યો. હરકત જેવું નહોતું તેથી અમે કબૂલ કર્યું.