આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહેવાઈ ન જાય એટલી સંભાળ રાખું છું.’

ભદ્રંભદ્ર કહે, ’એ યુક્તિ ઠીક છે, પણ કેટલાક આર્યોનું કહેવું છે કે શાસ્ત્ર અને તર્કને ભેળવ્યાથી શાસ્ત્રને હાનિ થાય છે. શાસ્ત્રવચનોને પણ તર્કની આવશ્યકતા છે એમ ભ્રાંતિ થતાં શાસ્ત્રની અવમાનના થાય છે,’

વલ્લભરામ કહે, ’એ હું સમજું છું; પણ એટલું કબૂલ કરીએ તો તો પછી સુધારકોનું કહેવું જ સ્વીકાર્યું કહેવાય. સત્યનો અમારે નિષ્પક્ષપાત રીતે નિર્ણય કરવો છે એમ કહ્યા વિના તો ન ચાલે. પણ તેથી પ્રાચીન કંઈ મૂકી દેવું પડશે એવા સંશયનું કારણ નથી. "અનાદિસિદ્ધ વ્યવસ્થા" નામે પુસ્તકમાં મેં સિદ્ધ કર્યું છે કે આ દેશમાં અને યુરોપ-અમેરિકામાં હાલ જે કેટલાં વિદ્વાન હિંદુસ્તાનના પ્રાચીન પુસ્તકોમાં આજ સુધી અજ્ઞાત રહેલાં રહસ્ય ખોળી કહાડીને બતાવે છે તેમનો મત ઋષિઓએ કરોડો વર્ષથી સંગ્રહ કરેલાં શાસ્ત્રમાંના ધર્મનો જ અમૂર્ત રૂપે અવતાર છે. પૂર્વકાલમાં પણ કેટલાક ધર્મોપદેશકોએ આપણા ઋષિઓના સરખા કેટલા મત પ્રદર્શિત કર્યા છે તે પરથી એ જ સિદ્ધ થાય છે કે આપણો સનાતન ધર્મ ફરી ફરી અધર્મ દૂર કરવા અવતરે છે, ધર્મ તો દરેક પ્રજાના ઇતિહાસના આરંભથી જોવામાં આવે છે, માટે સર્વનો મૂળ આર્યધર્મ અનાદિ હોવો જોઈએ એ જ સિદ્ધાંત થાય છે. આ પ્રમાણે હાલની પાશ્ચાત્ય પદ્ધતિને અનુસરીને કરાતા તર્ક આપણાં શાસ્ત્રોનો જ અવતાર છે તો પછી શાસ્ત્રો સાથે તેનો સંયોગ થતાં હાનિ નથી. એ અવતારને હું "રહસ્યાવતાર" કહું છું.’

કંઈ સંતોષનું કારણ મળ્યું હોય તેમ ઉત્સાહિત થઈ ભદ્રંભદ્ર બોલ્યા, ’ધર્મ મૂર્ત રૂપે નહિ પણ અમૂર્ત રૂપે અવતર્યો હોય તો પછી કોઈ અમુક વ્યક્તિ ધર્મોદ્ધારકની કીર્તિને યોગ્ય કેમ કહેવાય ? અવતારમાં તો કોઈ મનુષ્ય નાયક કહેવાય જ નહિ.’

આક્ષેપ સહન થઈ શક્યો ન હોય તેમ અધીરા થઈ ત્રવાડી નસકોરાં ફુલાવી બોલી ઊઠ્યા, ’વલ્લભરામે હજી પોતાનો સિદ્ધાંત પૂરેપૂરો આપને કહ્યો નથી. જેમ બીજા દેશોમાં જ્યારે વિષ્ણુનો અવતાર થયો ત્યારે સર્વાત્મા વિષ્ણુએ મલેચ્છના સંસર્ગથી દૂર રહેવા પોતે ન અવતરતાં ધર્મ સમજાવનાર પોતાના અંશવાળા પેગંબરો ઉત્પન્ન કર્યા તેમ આ "રહસ્યાવતાર"માં પણ કૃષ્ણ પરમાત્માએ જાતે અવતાર ન લેતાં ધર્મને અમૂર્ત અવતાર આપી તેનું પ્રકાશન કરનાર પેગંબર તરીકે વલ્લભરામને મોકલ્યા છે. વિનયને લીધે વલ્લભરામ આ પરમ સિદ્ધાંત સ્પષ્ટ રીતે કહેતા નથી તેથી ઘણી વાર ગેરસમજણ થાય છે. પણ અવતારી પુરુષોને માટે આત્મપ્રશંસા એ દોષ નથી. નહિ તો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે "હું આવો છું ને મેં આમ કર્યું" તે આત્મપ્રશંસાદોષ ન કહેવાય ? એ દોષ તો પામર મનુષ્યોને લાગે છે.’

ભદ્રંભદ્ર કંઈ ક્ષુબ્ધ થઈને બોલ્યા, ’મારું આર્યત્વ તો એવું છે કે "પેગંબર" સરખા મલેચ્છ શબ્દના ઉચ્ચાર કે શ્રવણથી તે ભ્રષ્ટ થાય. તો પછી તેની કલ્પના તો તે કેમ જ સહન કરી શકે ? એ માટે કંઈ શાસ્ત્રાધાર છે ?’

વલ્લભરામે ત્રવાડીને બદલે ઉત્તર દીધો, ’સ્વિટ્‌ઝરલૅન્ડના પ્રખ્યાત ડૉક્ટર નોબૉડિએ પૃથ્વીના એકેએક દેશમાં બારીક શોધ કરી "ધિ રાઇઝિંગ પૉકેટ" નામે એક