આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગ્રંથ હમણાં પ્રગટ કર્યો છે, તેમાં -’

ભદ્રંભદ્ર અધીરા થઈ બોલ્યા, ’હું તો શાસ્ત્રના આધાર વિષે કહું છું અને વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રસન્નમનશંકર સરખા આર્ય આપની પાશ્ચાત્ય પ્રમાણો ઉતારવાની પદ્ધતિને યોગ્ય ગણતા નથી. આપનાં પુસ્તકો પરથી જણાય છે કે આપને તો તેમને માટે બહુ પૂજ્ય વૃત્તિ છે.’

વલ્લભરામે કંઈક સંકોચ સાથે કહ્યું, ’પારમાર્થિક સાધનમાં એ વૃત્તિ નિરુપયોગી છે અને આખરે ત્યાજ્ય છે; માટે એવી વૃત્તિથી ભૂલ થવી ન જોઈએ. પ્રસન્નમનશંકરભાઈ ધનસામર્થ્ય પ્રવર્તાવે છે અને બહુ સારા માણસ છે. પણ પોતાની વિદ્વત્તાની પરીક્ષા શી રીતે કરવી એ ધોરણ વિષે મારો મત તેમનાથી કંઈ ભિન્ન માર્ગે ચઢી ગયેલો છે. એમનો મત હું જાણું છું પણ, કેળવણી પામેલો વર્ગ શાસ્ત્રનાં પ્રમાણથી સંતુષ્ટ થાય છે તે કરતાં પાશ્ચાત્ય વિદ્વાનો પણ આપણા શાસ્ત્રમાં છે તેવું જ કહે છે એમ કહ્યાથી વધારે સંતુષ્ટ થાય છે એમ આપને નથી લાગતું ? એટલો પાશ્ચાત્ય મોહ તો છે જ, પરંતુ શાસ્ત્રો તો પૂજ્ય છે એટલું કહીને પાશ્ચાત્ય વિદ્વાનોનાં પ્રમાણો આપ્યાથી "રહસ્યાવતાર" વધારે સારી રીતે થઈ શકશે એમ આપ નથી ધારતા ?’

ચમક્યા હોય તેવી મુખાકૃતિને સ્થિર કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા ભદ્રંભદ્ર બોલ્યા, ’આપનાં પુસ્તકોમાંથી પ્રમાણ મેં ઘણી વાર મારાં ભાષણોમાં આપ્યાં છે, પણ એ પ્રમાણોનું પરિણામ "રહસ્યાવતાર"નું સમર્થન કરવા ભણી છે એમ મારા લક્ષમાં નહોતું આવ્યું. પાશ્ચાત્ય સંસર્ગની બીકથી હું એ અવતાર ગ્રહણ કરતાં સંકોચ પામું છું. હું જાણું છું કે થિયૉસૉફીના મતના યુરોપી અનુયાયીઓ આપણા દેશના શાસ્ત્રોનો મહિમા વધારવા પ્રયત્ન કરે છે, પણ તે સાથે તેઓ કોઈ કોઈ વાર "બધા" દેશનાં શાસ્ત્રના રહસ્યની વાતો કરે છે ત્યારે વળી મારું મન પાછું હઠી જાય છે. અને પાછું મને સાંભરી આવે છે કે મ્લેચ્છઓને અને યવનોને તો આપણાં શાસ્ત્ર જાણવાનો અધિકાર જ નથી.’

વલ્લભરામે સમજણ પાડવા સારુ સ્વસ્થ આકૃતિ ધરી કહ્યું, ’બીજા દેશોનાં શાસ્ત્રનું નામ તો સત્યશોધક વૃત્તિ દર્શાવવા સારુ દેવું પડે છે. બધા દેશોનાં શાસ્ત્રોમાંથી રહસ્ય ખોળવાનો બહારથી ઉદ્દેશ છતાં અંદરથી નિશ્ચય તો ખરો જ કે બીજા દેશોનાં શાસ્ત્રોમાંથી જેટલું આ દેશનાં શાસ્ત્રોને મળતું ગમે તે રીતે ઠેરવી શકાતું હોય તેટલાને જ રહસ્ય ઠરાવવું. તેથી, આપણાં શાસ્ત્રો માટે ભીતિ રાખવાનું કારણ નથી. મ્લેચ્છો અને યવનોના અધિકાર સંબંધમાં આપણા શાસ્ત્રકારોનું કહેવું અક્ષરશઃ સત્ય છે અને તેઓ ત્રિકાલજ્ઞાની હતા એ અનાદિકાલથી સિદ્ધ છે, કેમ કે હાલ પણ તેમનાં કેટલાંક વચન ખરાં પડે છે, તેથી એ અધિકાર સંબંધી તેમનો નિષેધ હાલ પણ અસત્ય કહેવાય નહિ. પરંતુ આપણાં શાસ્ત્રોને ઉન્નતિ વધારવામાં પાશ્ચાત્ય વિદ્વાનો સહાયતા આપે તેનો સ્વીકાર કરવો એ શાસ્ત્રોને પ્રતિકૂળ કેમ કહેવાય ? બાલ પાસેથી પણ સુભાષિત ગ્રહણ કરવું એવું વચન આપણા શાસ્ત્રમાં જ છે.’