આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્ર ગૂંચવાઈ રહ્યા હતા તે એકદમ બોલ્યા, ’તે બાલ તે તો આપણાં આર્યબાલ, સ્ત્રી અને બાલક પણ ગુણવાળાં હોય તો પૂજ્ય છે એવું જ્યાં કહ્યું છે ત્યાં તે આર્યસ્ત્રી અને આર્યબાલકો માટે જ કહ્યું છે એમ સમજવું એ વેદધર્માનુસારીનું કર્તવ્ય છે.’

ત્રવાડીએ વચમાં પડી પૂછ્યું, ’એમ માનવા માટે કંઈ આધાર છે ?’

ત્રવાડીનાં નસકોરાં ક્રોધના આવિષ્કારથી કે ઉચ્ચારણના પ્રયત્નથી કે સ્વાભાવિક અભ્યાસથી ફૂલતાં હતાં તે નક્કી કરવા સારુ હું તેમના વધારે બોલવાની વાટ જોઈ તેમના તરફ જોઈ રહ્યો હતો તેવામાં વલ્લભરામ બોલ્યા, ’વેદવેદાંગાદિ સર્વ શાસ્ત્રોનું હું અધ્યયન કરી ગયો છું પણ એવો આધાર મેં કોઈ સ્થળે દીઠો નથી. પણ, હું કહું છું તેનાં પ્રમાણ તો સહેજે મળશે. તો "રહસ્યાવતાર" પ્રમાણ તરીકે સિદ્ધ કરી શકાય છે. વળી, આ વિષયમાં તો અધિકારીઓને એક ખાસ સિદ્ધાંત જણાયેલો છે તે એ છે કે સ્ત્રી અને બાલકમાં આકર્ષણ કરનાર જે મોહ છે તે માયાનું રૂપ છે અને બ્રહ્મમય વિશ્વમાં ભ્રમ કરાવનાર માયા મોહિનીસ્વરૂપ સ્ત્રી વગેરે જે અનેક રૂપ ધારણ કરે છે તેમાં આર્ય-અનાર્ય, બ્રાહ્મણ-મ્લેચ્છ, ઇત્યાદિનો ભેદ રહેતો નથી, સર્વ સરખી સંભાવનાને યોગ્ય થાય છે. તેથી શાસ્ત્રવચનોમાં આર્ય સ્ત્રી અને આર્ય બાલકોના જ ગુણને પૂજ્ય કહ્યા છે એમ આપ ધારો છો તે રહસ્યવિરુદ્ધ છે. ગુણનું જ્ઞાન એ જ ભેદનું અને અજ્ઞાનનું મૂળ છે, તેથી સ્ત્રીઓમાં જે પૂજ્ય અંશ જણાય છે તે આખરે માયા જ છે એમ પારમાર્થિક દૃષ્ટિએ જાણવાનું તો છે જ પણ તે માટે એ માયા સેવ્ય નથી એમ નથી; કેમકે બ્રહ્મ અને માયાનો પણ અભેદ છે અને બ્રહ્મ જાણ્યા પછી માયાની સેવા કરવાથી જ એ અભેદનું જ્ઞાન દૃઢ થાય છે. માત્ર ’આ નિજ’ અને "આ પર" એવી ગણના દૂર થવી જોઈએ.’

વલ્લભરામે ત્રવાડી ભણી જોઈ નયનચાપલ્યથી ઇશારો કર્યો તેથી ભદ્રંભદ્રનો ગૂંચવાડો વધ્યો, તોપણ ઉત્તર દેવાની તેમની શક્તિ ક્ષીણ થઈ નહિ. એક ક્ષણ વલ્લભરામ તરફ સ્થિર દૃષ્ટિથી જોઈ રહી ભદ્રંભદ્ર બોલ્યા, ’આપના કહેવા પ્રમાણે તો સ્ત્રીઓ અને બાલકો, ઉત્તમ અને અધમ, પૂજ્ય અને અપૂજ્ય; માન્ય અને અમાન્ય, જ્ઞાની અને અજ્ઞાની, બંને સિદ્ધ થાય છે. આપ હાસ્ય નથી કરતા માટે પૂછું છું કે બેમાંથી કયું સિદ્ધ કરવાનો આપનો આશય છે ? આપ પણ ખરા અને હું પણ ખરો એમ હોય તો પછી વાદનું કારણ શું રહ્યું ? અને આવા વિષયમાં નિજ અને પરની ગણના ન કરીએ તો પછી આપણું આર્યત્વ ક્યાં રહ્યું ? આ દેશનું અને પરદેશનું, આર્ય અને પાશ્ચાત્ય એ બેમાં ભેદ ન ગણાવો જોઈએ એમ તો સુધારાવાળાનું કહેવું છે, આપણું નહિ.’

ત્રવાડીનાં ધમણ પેઠે વિકાસ પામતાં નસકોરાં ઉપર આવેલી બે આંખો ગણપતિની દૂંદની બે તરફ હાલહાલ થતી છાયા ઉપર ઊભેલી રિદ્ધિસિદ્ધિ જેવી દીપતી હતી, તે જ જાણે માયારૂપ હોય તેમ તે તરફ નયનચાપલ્ય ફરી ચલાવી વલ્લભરામે