આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો. પણ, કૂવાના મુખ પર જવાનું બને તેમ નહોતું અને તળીએ જવું ઉચિત નહોતું. તેથી આકાશમાં જવાને અસમર્થ તથા પાતાલમાં પેસવા ન ઈચ્છતા વિંધ્યાચળ પેઠે હું આમ આડો ફંટાયો. વળી, આ માર્ગે બહાર નીકળવાની કંઈ આશા રહેતી હતી તેથી, પાંજરામાં પુરાયા છતાં ચારે બાજુએ ઘૂમનાર ઉંદરની સમાન હું ઉત્સાહપૂર્ણ બન્યો, એવા ઉમંગથી અગાડી વધતાં સામી એક ભીંત સાથે હું અથડાયો, પણ, નાક અને માથું પંપાળી લઈ તત્કાળ સાવધ બન્યો અને મારો વિચાર ભીંત જાણી ન જાય માટે તેને શાંત કરવાને બહાને તેના પર હાથ ફેરવી અગાડી જવાનો માર્ગ ખોળવા લાગ્યો. મારી બુદ્ધિના પ્રકાશના જેટલો સૂર્યનો પ્રકાશ ત્યાં નહોતો, પરંતુ સૂર્યની શક્તિ વિચારમાં લેતા તેનો દોષ કહાડવો એ યોગ્ય નહોતું; કેમ કે મારી ગતિ સમ તેની ગતિ રાત્રિમાં, અંધકારમાં, ભોંયરામાં અને કૂવામાં પ્રસરી શકતી નથી એ વિશે મને નિશ્ચય થયો હતો. મારો પોતાનો પ્રકાશ જોઈએ તેટલો હતો: તેથી મને સૂર્યની ખોટ જણાતી નહોતી પણ તેનો વિયોગ સાલતો હતો.

'ભોજન સમયે આંધળાના હાથ જેમ નયનની સહાયતા વિના મુખ જડી આવે છે તેમ મને ભીંત પર ફંફોસતાં સૂર્યની સહાયતા વિના જોઈતો માર્ગ જડી આવ્યો, લોકકલ્યાણાર્થ નિરંતર વહી જતી નદી જેમ પર્વત ઊતરતાં જે માર્ગ જડે તે માર્ગે ચાલી જાય છે, તેમ બ્રહ્માંડમાં સકલ સિદ્ધાંત સ્થાપી તેના સાર વડે વિશ્વનો ઉદ્ધાર કરવા સર્જાયેલો હું પણ વધારે વિચાર કર્યા વિના આ માર્ગે ચાલ્યો. માર્ગ વાંકોચૂંકો હતો, પણ ગાયનું પૂંછડું ઝાલી વૈતરણીમાં તરવા માંડ્યો. પહેલો સીધો માર્ગ કોને હાથ લાગે છે? માર્ગમાં વચ્ચે વચ્ચે ઊંચેથી થોડો પ્રકાશ આવતો હતો તેથી જણાયું કે સૂર્ય પણ બહાર વિયોગાકુલ થઈ મને મળવા આવવા પ્રયત્ન કરતો હતો. પરંતુ એ પ્રકાશદ્વાર એટલા ઊંચા હતાં કે નિસરણી અને દોરડાં વિના ત્યાં જઈ સૂર્યને સંતુષ્ટ કરવાનું બને તેમ નહોતું. નિસરણી બનાવવાની લાકડીઓ સારુ મારા હાથ-પગ હતા અને દોરડા સારુ મારાં આંતરડાં હતાં, પણ એ સર્વનો મારે બીજો ખપ હતો અને નિસરણી તથા દોરડું બનાવવા બેસું તો કાલવ્યય થઈ જાય; તેથી સાધનસમેત હોવા છતાં સાધનહીન જેવો થઈ હું ગતિ કરવા લાગ્યો.

'કેટલેક અંતર ગયા પછી એકાએક શિવના અટ્ટહાસ્ય જેવો ઘોષ સંભળાયો. મહાદેવ મને સહાય થવા આવી પહોંચ્યા છે એ જ કલ્પના મારા સરખા ભક્તને ઉચિત હતી અને વળી ચિત્તને આશ્વાસન આપે તેવી હતી, પરંતુ ભાવક ભક્ત વિપત્તિમાં છતાં શંભુને હાસ્યની વૃત્તિ થાય એ અસંભવિત છે તથા જગતમાં એક પણ શિવભક્ત સંકટમાં ન હોય અથવા તો મદ્યસેવનથી ચિંતા ભૂલી જવાતાં તાંડવ નૃત્યની વૃત્તિ થઈ હોય ત્યારે જ ગિરિજાપતિ અટ્ટહાસ્યથી કલ્લોલ કરે છે, એમ સાંભરી આવ્યાથી રુદ્ર કરતાં કોઈ ઓછા સુખકારી સત્ત્વના સાંનિધ્યની અપેક્ષા કરી હું વિશ્રામ લેવા ઊભો રહ્યો. અટ્ટહાસ્યનું વધારે મહોટું મોજું ફરી ધસી આવ્યું, તેમાં અનેક સ્વરનું સંમિલન હોય એમ લાગ્યું અને મનુષ્યવાણીના વિવિધ શબ્દો પણ સંભળાયા. તેથી જે ભય મને થયો જ નહોતો તેની અવગણના કરી એ