આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. તેમનો હેતુ તો અલબત્ત એવો જ કે તંદ્રાચંદ્રના આંતરચક્ષુ ખૂલી જાય અને યોગીઓ પેઠે એ સાધનથી પ્રત્યક્ષ દૃષ્ટિ થતાં બુદ્ધિ અને કેળવણીનો અભાવ છતાં જાહેર સભામાં પ્રમુખપદે રહી ભાષણ આપવાની તે તૈયારી કરી શકે અને તંદ્રાચંદ્રે તે માટે તૈયારી કરવા પણ માંડી. સંયોગીરાજના પ્રથમના વિચાર પેઠે તે સવારી સાથે સભામાં જવા ઉત્સુક થયા. તે માટે ઉત્તરની રીત મુજબ તેમણે ચહેરો અને પહેરવેશ તૈયાર કરવા માંડ્યા.

સંયોગીરાજે પણ ખટપટાબાદના માજી કારભારી તંદ્રાચંદ્રના લગ્નના વરઘોડાનાં નિમંત્રણ કાઢ્યાં અને સ્વગૃહે ઉત્સવચિહ્‌ન પ્રકટ કર્યાં. તંદ્રાચંદ્રને ઉત્સવકારણ વિશે લેશમાત્ર પણ ખબર નહોતી પરંતુ, સંયોગીરાજ કહેતા કે, 'સનાતન ધર્મના રક્ષણ માટે અસત્યનો ઉપયોગ કરવો પડે છે. રાજકીય સુધારાના નામે ઉકાળો ખદબદ કરવા માટે અસત્યનો ઉપયોગ કરવો પડે છે. સંસાર-સુધારાને દૂર કાઢવા સારુ અસત્યનો ઉપયોગ કરવો પડે છે, તો વિનોદ અને હાસ્ય સારુ અસત્યનો ઉપયોગ કરવામાં શું ખોટું છે? વામનાવતારની કથા વગેરેથી જણાય છે કે અસત્યથી જ જગતનો ઉદ્ધાર થાય છે એમ શ્રી વિષ્ણુએ સ્થાપિત કર્યું છે.' તેથી તેમનાં અને અમારા સર્વનાં અંતઃકરણ શાંત રહ્યાં હતાં.

તંદ્રાચંદ્રની મુખાકૃતિ સ્વાભાવિક રીતે સુંદર તો નહોતી જ, અને તેને અલંકૃત કરવા માટે તેમણે જે સામગ્રી રચવા માંડી હતી, તેથી દેખાવ એવો વિચિત્ર લાગતો હતો કે બદસૂરતીથી ટાપટીપ જણાઈ આવે છે કે ટાપટીપથી બદસૂરતી જણાઈ તે નક્કી કરી કહેવું મુશ્કેલ હતું. સભામાં ભાષણ ચાલતી વખતે વચનપ્રહાર ઉપરાંત મુખશોભાની શી અસર થશે તેનો સુમાર તંદ્રાચંદ્ર કાઢી શકતા હોય તેમ લાગતું નહોતું પણ સવારીમાં તો છેલાઈ જણાવવી જ જોઈએ એમ તેમનો મત હતો, અને દેશી રાજ્યોમાં સવારીમાં એવી સામગ્રીથી તેમને લોકોએ ખરેખર સુંદર ધાર્યા હતા એમ તે માનતા હતા. સંયોગીરાજે ઊભી કરેલી યોજનાને આ મંડનવિધિથી વધારે પુષ્ટિ મળી. આછી છતાં વાળીને ઊંચી કરવાના પ્રયત્નમાં ઊભી થઈ ગયેલી મૂછોથી અને બીજી રીતે સુધારી શકાય તેવી ન હોવાથી ફીત લગાડી શોભાયમાન કરેલી બાવાટોપીથી તંદ્રાચંદ્ર લગ્નોત્સવના સમારંભમાં છે એ વાત ખરી લાગતી હતી અને તેથી નીતરતા મોગરેલથી ચળકતા થયેલા વાળ, સુરમાથી આંજેલી આંખો, પાન ચાવી લાલ કરેલા હોઠ, એ બધી ઘડી ઘડી પ્રગટ થતી તૈયારી સવારી માટે છે એમ કલ્પવાનો અજાણ્યાને સંભવ જ રહેતો નહોતો. તેમના ઉત્ફુલ્લ નયન અને હર્ષપૂર્ણ મુખરેખાથી આ ભૂલને ટેકો મળતો હતો. ક્ષોભરહિત દીન વૃત્તિમાં એ ફેરફાર બહુ અજાયબ ભરેલો લાગતો હતો. થોડા વખતની માનની પદવીની આકાંક્ષા અને એક કહેવત માટેની વિલક્ષણ રુચિએ કરાવેલાં કૌતુક હાસ્યવૃત્તિ ઉદ્‌ભૂત કરવાને બસ હતાં, અને એ આકાંક્ષા અને રુચિ સહસા ખંડિત થઈ, આખરે મશ્કરી અને મજાકના પ્રસંગ આવવાની આશાએ પાર્શ્વચરો સંયોગીરાજની વિચક્ષણતાના ધન્યવાદ ઉચ્ચારતા હતા. તે પ્રસંગ આવવા પહેલાં પણ હાસ્યને શમાવી રાખવું તેમને એટલું કઠણ પડતું કે