આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તંદ્રાચંદ્ર સમીપ હોય ત્યારે પણ શુષ્ક કથાઓમાં જૂઠાં નિમિત્તિ કહાડી તેઓ હસી પડતા હતા અને તંદ્રાચંદ્રને અનિચ્છાપૂર્વક પોતાની જ મશ્કરીમાં શામિલ કરતા હતા.

આ હાસ્યમાં ભદ્રંભદ્ર શામિલ થતા નહિ અને શામિલ થવા દેતા નહિ. કપટમય વંચના તેમને નાપસંદ હતી એમ નહોતું. કારણ આર્યપક્ષના નાયકના કપટમાં પણ પુણ્ય નિવાસ કરે છે એમ તેમનું કહેવું હતું. અને આર્યપક્ષના ગૌરવ ખાતર જ તેમને આ હાસ્ય અનુચિત લાગતું હતું. તંદ્રાચંદ્રને આર્યપક્ષ તરફથી મળતું માન પોતે લેવાને તે અંતરથી નાખુશ નહોતા અને અંતે તંદ્રાચંદ્રની મશ્કરી ન થતાં કોઈ અગમ્ય રીતે તેમને માન મળી જશે અને એ પ્રયાસમાં આર્યપક્ષનો સુધારાવાળા પર જય થઈ જશે એમ તેમનું માનવું હતું. બળતી સતીઓની ચીસો વાદ્યમાં ડુબાડી દેવી પડે છે, તેમ સુધારાવાળાની તકરાર ઉત્પન્ન થવાથી નહિ પણ સાંભળ્યાથી જ આર્યપક્ષને હાનિ છે, માટે આવી સભાઓના ઘોંઘાટ વડે તે અનેક વેળા કરતા હતા.


૨૩ : તંદ્રાચંદ્રનો અને જોશીનો મેળાપ


વૈશાખ સુદી બારસને બુધવારે સંયોગીરાજને ઘેર મંગળ વાદ્યનો ધ્વનિ થઈ રહ્યો હતો. નોતરેલા અને નહિ નોતરેલાની ઠઠ જામતી હતી. મંડપ તોરણાદિથી ઢંકાયેલું અને ગાડીઘોડાથી ઘેરાયેલું ઘર ગ્રહણમાંથી મુક્ત થવા બૂમો પાડતું હતું. અને આવવાનું એવું બહાનું જોઈ લોકો ત્યાં વિવિધ ભાવે ધસી આવતા હતા. કોઈ માન મેળવવા ઉત્સુક હતા, કોઈ તમાસો જોવા ઉત્સુક હતા, કોઈ પાનસોપારી ખાવા ઉત્સુક હતા, કોઈ ચોરી કરવા ઉત્સુક હતા; એમ આશાકારણ અનેક છતાં સર્વના મુખ ઉપર એક જ પ્રકારના હર્ષની મુદ્રા જણાતી હતી. સંયોગીરાજના અને તેમના અશસ્વી પરોનાના સુભાગ્યની વાતો ચર્ચવામાં કેટલાક ગૂંથાયા હતા. કેટલાક એવા પણ પ્રયત્ન વિના વિદ્યાથી અને ધાંધલથી અનિચ્છાપૂર્વક પ્રસન્ન થઈ જઈ મોં પહોળાં કરી લક્ષ્ય વિના ચારે તરફ જોતા હતા.

આખા ઘરમાં એક જ મનુષ્યના ચિત્તમાં વ્યગ્રતા જણાતી હતી. સંયોગીરાજ સાજનની સરભરામાં હતા અને તેમના પાર્શ્વચરો વરઘોડાની ગોઠવણમાં હતા તે સમયે ઘરની અંદરના ભાગમાં બે ઓરડા વચ્ચેના ઉમરા પર બેસી તંદ્રાચંદ્ર ઊંડું મનન કરતા હતા; મનની વૃત્તિમાં તે સાધારણ રીતે જોવામાં આવતા નહોતા અને આ પરાક્રમનો આરંભ કર્યો પછી તો તે હર્ષમામ્ અને ઉલ્લસમાં જ રહેતા હતા. તેથી તેમને આ અવસ્થામાં જોઈ મને આશ્ચર્ય લાગ્યું. એક બાજુએ ઊભો રહી હું તેમના તરફ જોઈ રહ્યો હતો; એવામાં એક પાર્શ્વચરે પછાડીથી આવી મારો કાન ખેંચ્યો અને હું એકાએક ખિજાઈ પાછું જોઈ બોલવા જતો હતો તેવામાં મોં પર મુક્કો મારી તેણે મને મૂંગા