આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ પણ ઉપાય લેતાં આપણને શી અડચણ છે ? ચાલ સજ્જ થા. આ અધર્મીનો પરાજય કરીએ. તું ગાંડા હોવાનો ઢોંગ કરી એના પર તૂટી પડે, અને હું તને નિયમમાં રાખવાને બહાને ત્યાં આવી તમારા બંને ઉપર સખ્ત પ્રહાર કરીશ અને આખા મંડળને વિખેરી નાખીશ.'

પ્રહાર વિશેની અરુચિ મનમાં દાબી રાખી મેં કહ્યું,

'ઉપાય તો અત્યુત્તમ છે, પરંતુ તે માણસ સુધારાવાળો છે અને આર્યધર્મ વિરુદ્ધ ઉપદેશ કરે છે એની તો પ્રથમ ખાતરી કરવી જોઈએ.'

પોતાની યોજનાને અમલમાં આણતાં વિલંબ થતો જોઈ અધીરા થઈ જઈ ભદ્રંભદ્ર બોલ્યા,

'સુધારાવાળા પ્રમાણ અને પુરાવો માગે છે. આર્યોને શબ્દપ્રમાણ જ બસ છે. મારા શબ્દથી એ માણસ સુધારાવાળો છે એમ થયા પછી પ્રમાણની મારે અપેક્ષા રહેતી નથી, તો થારે તો ક્યાંથી જ રહે ?'

છતી અક્કલે ગાંડા થવાનો વખત મારી પાસે આવ્યો હતો, પણ મારા સુભાગ્યે તે માણસ જ અમારો ઉદ્વેગ જોઈ અમારી પાસે આવ્યો અને પૂછ્યું,

'તમે કયા કામામાં છો ? અરજી લખાવવી છે ?'

તેનો સ્પર્શ ન થાય માટે લૂગડાં ઊંચા રાખી ભદ્રંભદ્ર તિરસ્કારભરી દૃષ્ટિ કરી બોલ્યા,

'અમે સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયના કામમાં છીએ. અરજીઓ અમે લખાવતા નથી કેમ કે અમારી વાચાળશક્તિના સામર્થ્યથી પર્વતો પણ કંપે છે તો સુધારાવાળાને કંપાવવાનો પ્રયત્ન જ શું કામ કરવો પડે ?'

અરજી લખનાર વાક્ય પૂરું થતાં સુધી ભદ્રંભદ્રના સામું જોઈ રહ્યો અને પછી એકદમ ચાલ્યો ગયો. વિજયથી હર્ષિત મુખાકૃતિ કરી ભદ્રંભદ્રે મને કહ્યું,

'બ્રહ્મતેજ તે આનું નામ કે શત્રુના પરાભવની કલ્પના કરતાં જ વિના પ્રયાસે તેનો પરાભવ થઈ ગયો. સુધારાવાળા શા માટે મિથ્યા પ્રયત્ન કરતા હશે ? તેમને આવી આત્મિક શક્તિનો અનુભવ નથી તેથી જ તેઓ યોગસિદ્ધિને વહેમ કહી નિંદે છે.'

એટલામાં 'સમરીવાળા ચાલો' એવી બૂમ પડી, અને કેટલાક લોકો બૂમ પાડનારને ખોલતા દોડવા લાગ્યા. અમને ઊભા થયેલા જોઈ એક માણસે જતાં જતાં પૂછ્યું,

'તમે સમરીવાળા છો ?'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'અમે સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયવાળા છીએ. સમળી અપવિત્ર પક્ષી છે અને તેનો અમે સ્પર્શ કરતા નથી તથા તેને પાળતા પણ નથી.'

'હા' કે 'ના'ને બદલે અપાયેલો આટલો લાંબો ઉત્તર પૂરો સાંભળવા તે માણસ ઊભો પણ રહ્યો નહિ અને એવી ઝડપથી ચાલ્યો ગયો કે તે પોતે 'સમળીવાળો' હોય તો ક્યાં ગયો તે જોવાનું પણ બની શક્યું નહિ.