આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અસંમતિ પ્રદર્શિત કરી; પણ આ બાબતમાં તેમને અને માજિસ્ટ્રેટને પ્રથમથી દ્વેષ બંધાઈ ગયેલો હતો, માજિસ્ટ્રેટ તરત બોલી ઊઠ્યા.

'તમારા વકીલ જે કહેવું હશે તે કહેશે. તમારે વચમાં બોલવું નહિ.'

કહેવાનું નથી કહેતા માટે જ વચમાં બોલવું પડે છે. ઉમિયાપતિ ભક્તમહાત્મ્યના આવા મોટા વૃત્તાન્તનું કથન કરવામાં ફલં નથી એમ કહેવું એ શું સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયના સમયને ઘટે છે ? પુરાણની કથાઓ કહેનાર અને સાંભળનારને આટલું મોટું ફલં શાસ્ત્રેષુ લખ્યું છે, બલિ સરખા દૈત્યની કથા સાંભળે તેને એક હજાર અશ્વમેધ કર્યાનું ફલં મળે છે, તુલસીના ઝાડની પૂજાનું કમકાવ્રત સાંભળે તેનાં સર્વ પાન નાશ થાય છે અને તે વિષ્નુલોકમાં જાય છે, અનંત ચતુર્દશીના દોરડાની કથા સાંભળે તે હરિના પદને પામે છે, અને મારા સરખા પરમ પૂજ્ય સનાતન આર્યધર્મના સંભભૂત મહાપુરુષની કથા કહેવાનું કે સાંભળવાનું કંઈ ફલં જ નહિ ? શું સુધારાવાળાઓ પોતાના જદવાદમાં એટલે સુધી ફાવી ગયા છે કે ચૈતન્યવાદનું સમર્થન કરનારી 'ભદ્રનાથમધારણકથા'નો પાઠ પણ તેઓ અટકાવી શકે છે ? અને તેમાં તેમને કાયદાની સહાયતા મળે છે ? આર્યપક્ષવાદીઓ કાયદાની સહાયતાથી વિરુદ્ધ છે તેમાં તેમની દીર્ઘદૃષ્ટિ શું આથી સિદ્ધ થતી નથી ? પુરાવાનો કાયદો કે પીનલકોડ જે ઉભયે સુધારાવાળાને સાહાયકાર હોઈ એકરૂપ જણાય છે. તેને આધારે આ કથા અટકાવવામાં આવતી હોય તો મારો વાંધો એ જ કે કોઈ પણ પાશ્ચાત્ય કાયદાથી આર્યધર્મના વ્યાખ્યાનને પ્રતિબંધ છે નહિ, હોઈ શકે નહિ, હોવો ઘટે નહિ. પુરાવાનો કાયદો કે જેમા.'

'પ્રોસીજર કોડ પ્રમાણે વકીલ અને અસીલ બે સાથે બોલી શકતા નથી. હવે તું અક્ષર પણ વધારે બોલીશ તો હું તને કોર્ટ બહાર કઢાવીશ અને કામ પૂરું થતાં સુધી ઓટલા નીચે ઊભો રખાવીશ.'

ભદ્રંભદ્રની ઇચ્છા કોર્ટની અંદર રહી કામ જોવાની હતી, તેથી તેમણે વધારે બોલવાનો શ્રમ લીધો નહિ. પણ પોતાની નોટબુકમાં લખી લીધું કે, 'આર્યતા તને ત્વકાર અને તારો તિરસ્કાર ! ફાવો, સુધારાવાળા ! હાલ તમે યથેચ્છક ફાવો. પણ પ્રલયકાળે શું કરશો ? શી પાશ્ચાત્ય કાયદાની યુક્તિઓ છે ? બે કાયદામાં હાર ખાધી ત્યારે ત્રીજો કાયદો ! એક જ કાયદો હોવાની આવશ્યકતા-તે વિશે સ્થળે સ્થળે ભાષણ-સભાઓ અરજી.'

આડકથા પૂરી થઈ એટલે વકીલનું ભાષણ અગાડી ચાલ્યું.

'કાયદાની અજ્ઞાનતાથી તોહોમતવાળો ગમે તે કહે પણ 'ભદ્રંભદ્ર' એ નામ સંબંધે એટલું જ કહેવું બસ છે કે તેની હકીકત એવી છે કે સાબિત કરવા સાક્ષાત્ શંકરની જરૂર પડે પણ કોર્ટ તેમના પર સમન્સ કાઢે નહિ અને શંકર ફક્ત હિંદુના જ દેવ હોવાથી પાશ્ચાત્ય કોર્ટમાં તે આવે નહિ.

'નં. ૬ના તોહોમતવાળાનો ઇરાદો ખૂન કરવાનો હતો એમ બતાવવાનો મારા વિદ્વાન મિત્ર્ પ્રયત્ન કર્યો છે, પણ કોઈનું ખૂન થયું નથી અને એ તોહોમતવાળાનો ઇરાદો ખૂન કરવાની કોઈ કોશિશમાં શામિલ હતો નહિ તેથી ખૂનનો ઇરાદો સાબિત