આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રહ્મભોજનથી રહસ્યાજ્ઞાન થાય છે – ભોજન કરનાર બ્રાહ્મણો અદ્દભૂત શક્તિધારણ કરે છે – ભોજન કરવાની સર્વની ઇચ્છા- તૃપ્તજ કરી શકે છે - માત્ર પોતાની ભોજનેચ્છા તૃપ્ત કરી શકતા નથી – બ્રહ્મભોજન જમી ધરાયેલો બ્રાહ્મણ કલ્પૃવૃક્ષસમ છે – પ્રેતાત્માપને તે વૈકુંઠમાં મોકલી શકે છે - ચોપડા જોઇ ધર્મરાજાએ ગમે તેવી આજ્ઞા કરી હોય તોપણ જીવતા મનુષ્યોપને તે લક્ષાધિપતિ કરી શકે છે – પોતે ભિખારી રહે છે તોપણ – ભોજનના ખર્ચ ઓછા કરવાનો સુધારાવાળાનો દુરાગ્રહ અક્ષમ્ય – ધનપ્રાપ્તિતનું આ મૂળ તેમને વિદિત જ નથી – પાશ્ચાત્યા અર્થશાસ્ત્ર્માં આર્યરહસ્ય‍ની આ કલ્પમના પણ જોવામાં આવતી નથી – અન્નચ દેવ છે – બ્રાહ્મણ દેવ છે – બે દેવોનો સંયોગ – બ્રાહ્મણ વધારે મહોટો દેવ છે – તેનાના દેનો ભક્ષ કરે છે. - બે મત્ય્બ્રનો મેળાપ થતાં મહોટો મત્ય્શા નાના મત્ય્બ્રને ગળે છે તેમ – દેવોનો આવો યોગ કરવાનું પરમ - પુણ્ય - તે નહિ જાણનારા જ બ્રહ્મભોજનની નિંદા કરે છે – બ્રહ્મા, વિષ્ણું, મહેશ્વરને ભોજન પ્રિય છે કેમ કે તે ભોજન નથી કરતા એવું કંઇ પ્રમાણ નથી, તો બ્રાહ્મણને ભોજન પ્રિય શા માટે ન હોય ?....’ બ્રહ્મભોજનના પક્ષને મજબૂત કરવાની દલીલો ભદ્રંભદ્ર નિત્ય પોતાની નોટબુકમાં ઉમેર્યા જતા હતા અને ભોજનની ઘડી છેક પાસે આવી ત્યાં સુધી વધારો કર્યા ગયા. વધારે ઉદર વ્યાપારનો પ્રસંગ આવતાં લખવાનું તેમણે બંધ કર્યું.

૨૭. નાતનો જમણવાર

ભોજનનું સ્થળ શેરીમાં ખુદ ધરતીમાતા ઉપર હતું.માણસે બાંધેલાં મકાન પૃથ્વી જેટલાં પવિત્ર નથી હોતાં તે માટે રસ્તામાં જમવા બેસવાનું આર્યધર્મના શાસ્ત્રમાં લખ્યું છે એમ ભદ્રંભદ્રે ઘણી સભાઓમાં સાબિત કર્યું હતું. જડવાદી સુધારાવાળાની શંકાના ઉત્તરમાં તે એ પ્રમાણ આપતા હતા કે પૃથ્વી પર ગંગાદિ નદીઓ વહે છે અને ઘરમાં તેવી નદીઓ વહેતી નથી માટે પૃથ્વી વધારે પવિત્ર છે. આ આર્ય સિધ્ધાંતનો સાક્ષાત્કાર આ પ્રસંગે થઇ રહ્યો હતો.સામસામાં ઘરના ખાળકૂવામાંથી વહેતી અનેક ગંગાઓ ભોજનસ્થળને પવિત્ર કરી રહી હતી. ભૂદેવોની સગવડ ખાતર કેટલાક પ્રવાહ આડા લઇ જવામાં આવ્યા પણ તેથી તે સ્થળે વ્યાપી રહેલી પવિત્રતા જતી રહી નહિ. એ જળપ્રવાહમાં કેટલોક મેલ હતો ખરો, પણ સનાતન ધર્મના સિધ્ધાંત પ્રમાણે જલ સર્વને પવિત્ર કરે છે તેથી ભોજનસ્થળની શુધ્ધતા અકલંકિત હતી.સ્થળની રમણીયતામાં જે કંઇ ન્યૂનતા હતી તે પૂરી કરવા ભૂદેવોએ ત્યાં સ્નાનવિધિનો આરંભ કર્યો.આ સ્નાનવિધિ એક સ્થળે બેસીને કે ઉભા રહીને નહિ કરતાં ફરતાં ફરતાં કરવામાં આવતો હતો.ગ્રીસનો પ્રખ્યાત ફિલસૂફ એરિસ્ટોટલ શિષ્યોને ઉપદેશ કરતી વેળા આમતેમ પરિક્રમણ કરતો હતો અને તેથી તેની શાખાનું ઉપનામ 'પેરિપેટેટિક' પડ્યું. તે સર્વ હિંદુસ્તાનની પુરાતન પધ્ધતિઓનું અનુકરણ છે તેમ અમેરિકાના થીયોસોફીસ્ટોએ પોતે શોધી કહાડ્યુ છે અને જાતની ખાતરીથી એ વાત તેઓ પ્રસિધ્ધ કરે છે માટે તે સત્ય છે -