આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ વલ્લભરામના ગ્રંથોમાં વાંચેલું અને તેને આધારે ભદ્રંભદ્રે અનેક ભાષણોમાં પ્રતિપાદિત કરેલું, તેનું પ્રમાણ આ સ્નાનવિધિમાં પ્રત્યક્ષ જોવામાં આવ્યું. ભૂદેવોની પવિત્રતા જન્મથી અને જાતિથી સ્વતઃ સિધ્ધ છે, જલ તેમને વધારે પવિત્ર કરી શકતું નથી. માત્ર શાસ્ત્રવિધિનું અનુસરણ કરવા સારુ જલનો ત્વચાને સ્પર્શ થવો જોઇએ.આપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમનાં ઉદરનું પૂરણ કરે છે તેમ દૂંદાદિને લીધે બ્રાહ્મણોનાં શરીરનો વિસ્તાર ઘણો છતાં તથા તે ઉપર મેલ એકઠા થવાનાં કારણસર ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છેઃ એ સિધ્ધાંતને અનુસરી ભદ્રંભદ્ર અને ઘણા ભૂદેવોએ એકેક લોટી ભરીને પોતાના આખા શરીરને પાણી ઘસી ઘસીને ભીનું કર્યું તથા સૂર્ય જેવું ઉજળું,અને ચળકતું કર્યું.જે અદભૂત કસર આર્યધર્મના અનુયાયીઓને જ આવડી શકે છે તેને બળે એક હાથ પનાનાં પંચિયાં પણ તેમણે આટલાં પાણીમાં ભીનાં દેખાતાં કર્યાં.પરંતુ કેટલાક જુવાનો પાણીના વધારે શોખીન હતા અને તેમણે ફરતાં ફરતાં ઘડા પોતાના શરીર પર ઠાલવ્યા. આથી ભોજનસ્થાનમાં નદીઓ સાથે સરોવર અને સાગરનો પણ દેખાવ થઇ રહ્યો.

સ્નાનવિધિ થઇ રહ્યા પછી આસનની તૈયારીઓ થઇ. પતરાળાં તરે એટલું જ્યાં પાણી હતું ત્યાં સહેજસાજ સ્વચ્છતાના ઉપાય લીધા પછી જગાની સગવડમાં કોઇ જાતની ખામી રહી નહિ.પરંતુ, માણસોની સગવડ એટલી સહેલાઇથી થઇ જાય તેમ નહોતું. ભોજનના મહાપ્રકરણ માટે ભૂદેવો ત્વરાથી ઠામ પસંદ કરવા લાગ્યા અને તે રોકી લેવા લાગ્યા.આ સ્પર્ધામાં વિરોધ થવા લાગ્યો અને કલહ વધતાં 'પતરાળી-પતિ' મહારાજાઓનાં 'ઠામ રાજ્યો'ના સીમાડાની તકરાર જંગી થઇ પડી. કલ્પવૃક્ષનાં પુષ્પ ઉછાળતો હોય તેમ પૃથ્વી પરના ભૂદેવો મુખમાંથી ટુંકારા અને અપશબ્દોની પરંપરા કાઢી ચારે તરફ ફેંકવા લાગ્યા અને નાતરૂપી આકાશગંગામાં જળક્રીડા કરતા હોય તેમ ઠામે બેઠેલા તથા ઊભેલાના હાથ,પગ તથા કેશ ખેંચવા લાગ્યા. જે ઠામે બેસી ગયા હતા અને ત્યાં ચોંટી રહેવા જેટલા સામર્થ્યવાળા હતા તેમને સ્થાનભ્રષ્ટ કરવા ભારે યુધ્ધ ઠેર ઠેર જામ્યાં. રણભૂમિમાં ઝૂલતા યોધ્ધાઓના નાદ તથા તેમને પાનો ચઢાવનાર ભાટચારણોના હોંકારાથી એવો શોરબકોર થઇ રહ્યો અને શેરીમાંથી દોડી આવેલાં કુતરાંના અવાજ સાથે તે એવો ભળી ગયો કે લડાઇ કોના કોના વચ્ચે થાય છે, ક્યાં ક્યાં બંધ પડી છે તે જાણવું અશક્ય થઇ પડ્યું.

આ ઝઘડામાં કંઇ પણ ભાગ ભદ્રંભદ્રે લીધો નહોતો અને તેમણે પોતાનો ઠામ બે શૌચકૂપની વચમાં આવેલા ખૂણામાં એવો પસંદ કર્યો હતો કે કોઇ જોડે સીમાડાની તકરાર થવાનો કે કોઇની ઈર્ષ્યા ઉત્પન્ન થવાનો સંભવ રહે નહિ.સ્નાન કરી ઠામે આવતાં કેટલાક અસ્નાત મનુષ્યોની છાયા શરીર પર પડવાથી ભદ્રંભદ્રને ફરી ફરી સ્નાન કરવું પડ્યું. આ રીતે પુનઃપુનઃ વિઘ્નોથી પ્રતિરોધ પામતા છતાં અંતે સર્વ પાર ઉતરી ઠામે આવી પહોંચતાં આસનને પાંચ સાત જલબિંદુના પ્રોક્ષણથી પરિપૂર્ણ શુધ્ધ કર્યું અને તે પર ઉપવિષ્ટ થયા. પરંતુ તે જ ક્ષણે પગ તળે સુતરનો કોરો તાંતણો આવેલો જોવામાં આવતાં તેમનાથી એકદમ સખેદ આશ્ચર્યનો ઉદગાર થઇ ગયો.