આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાનેથી ઉઠી શોક કરવા ગયા અને હર્ષવાક્યો ઉચ્ચારતા શુધ્ધ થઇ પાછા આવ્યા. એક કલાકમાં સર્વ મળી અગિયાર સ્નાન કર્યા પછી ભદ્રંભદ્ર આસને સ્વસ્થ થઇ મુખ મલકાવતા બેઠા.આર્યોચિત સ્નાનશુધ્ધિના થયેલા વિજયથી અથવા ભોજનવેલાના સામીપ્યના વિચારથી અથવા એવા બીજા કોઇ કારણથી તેમનું ચિત્ત પ્રસન્ન થયું હશે, કારણકે આસપાસ મચી રહેલા જંગનો જે દેખાવ નજરે પડતો હતો તે સંતોષની વૃત્તિ ઉપજાવે તેવો નહોતો.આ જંગ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવવાની તેમની ઇચ્છા જણાતી નહોતી.મેં ઘણા પ્રશ્ન કર્યા ત્યારે તે બોલ્યા,

'કેટલું ખાવું એ જ ખરેખરી ચિંતાનો વિષય છે,ક્યાં ખાવું એ વિશે સુજ્ઞો કદી ચિંતા કરતા નથી. ભોજન પેટમાં જાય છે.ભોજનનું સ્થાન પેટમાં જતું નથી. પેટને માત્ર ભોજનનો જ ભાર ઉંચકવો પડે છે. માટે સુજ્ઞો તે ઉપર જ લક્ષ રાખે છે.અન્ન દેવ હોઇ દેશકાલના નિયમથી અતીત છે, માટે અન્નનું ભક્ષણ કરવામાં સુજ્ઞો દેશકાલની ગણના કરતા નથી. જ્યાં ભોજન મળે અને જ્યારે ભોજન મળે ત્યાં અને ત્યારે સુજ્ઞો આહાર કરી લે છે. સ્થાન નહિ પણ પાચન સિધ્ધ કરવામાં સુજ્ઞોની કુશલતા છે.'

મેં કહ્યું,'મહારાજ' આપને વચ્ચે અટકાવવા ઉચિત નથી પણ આ મહાન સિધ્ધાંત બરાબર સમજી લેવો જોઇએ.'સુજ્ઞો' એટલે સારું જાણનાર તેમ જ સારું ખાનાર એવો અર્થ આપ કરો છો?'

'જાણવું તે ખાવું છે અને ખાવું તે જાણવું છે. જાણ્યાથી જ ખાઇ શકાય છે અને ખાધાથી જ જાણી શકાય છે.માટે અન્ન કે ધન ખાઇ શકે તે સુજ્ઞ કહેવાય છે. એ કામ કઠણ છે, માટે શાસ્ત્રમાં માત્ર બ્રાહ્મણને જ જ્ઞાન અને ભોજનનો અધિકાર આપ્યો છે. તો અમુક સ્થાને જ ભોજન કરવું એવો આગ્રહ કરવાથી એ અધિકાર ઓછો થાય છે અને પૂરેપૂરો ભોગવી શકાતો નથી. શાસ્ત્રો સંસ્કૃતમાં હોવાથી એકલા વલ્લ્ભરામ જ શાત્ર જાણે છે એમ તો તેની પેઠે હું છેક નથી કહેતો. પણ હું તથા વલ્લભરામ - અને બીજા કેટલાક - સિવાય શાસ્ત્ર જાણતા નથી એ તો સિધ્ધ છે. તેથી ગમે ત્યાં ભોજન કરવાના આ શાસ્ત્રોક્ત અધિકાર વિશે અજ્ઞાન હોવાથી સુધારાવાળા અને પાશ્ચાત્ય લોકો સ્વચ્છતા અને આરોગ્ય સાચવવાના નિયમને બહાને ભોજનસ્થાનક અમુક પ્રકારનાં હોવા વિશે ગમે તેટ્લો આગ્રહ કરે પણ આર્ય સ્વધર્મ છોડી કદી એવો પરધર્મ સ્વિકારશે નહિ. જે વિશે શાસ્ત્રોમાં આજ્ઞા નથી તેવા પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાન તથા વૈદકના નિયમો આર્યો કદી પાળશે? કદી નહિ. આ ઊંડી દ્રષ્ટિએ પરીક્ષા કરતાં ઠામ માટે વિગ્રહ કરનારા આ આર્યો આર્યધર્મનું કેવું ઉલ્લંઘન કરનારા ઠરે છે? આર્યધર્મના અભ્યાસમાં કેવું વિઘ્ન કરનારા ઠરે છે!'

ભોજનના પદાર્થ આસન સમીપ આવી પહોંચતા જોઇ ભદ્રંભદ્ર બોલતા બંધ થઇ ગયા. આર્યોના ધર્મ સમજાવવાનું એકાએક અધૂરું મૂકી પીરસનારના ધર્મ બરાબર બજાવાય છે કે નહિ એ અવલોકન તરફ તેમણે લક્ષ પ્રેર્યું. પીરસનારના આગમનથી ભૂદેવોમાં સર્વત્ર શાંતિ ફેલાવા માંડી હતી અને વિગ્રહ કરતા વિપ્રો ઠામનાં