આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને શહેરમાં બીજે પણ ફરવા નીકળી પડત, પરંતુ ગૌમાતા લાતપ્રહારથી તેમને નીચે નાખી દઇ ચાલ્યાં ગયાં. એકલા પડેલા ભદ્રંભદ્ર પાછા સ્વસ્થાને ગયા.

ગૌમાતા વિદાય થયા પછી ભૂદેવો પાછા ભોજનોન્મુખ થયા; પરંતુ ગરબડાટમાં જમનારા ઊભા થઇ ગયા હતા, તેથી એ પ્રશ્ન ઉઠ્યો કે સ્થાનેથી ઉઠ્યા પછી ફરી ભોજન કરવા બેસાય કે નહિ. ભોજન કરવાની ઇચ્છા સર્વની હતી, પણ રૂઢિ વિરુધ્ધ હતી તેથી ગુંચવણ લાગી. સભા ભરાય અને લાંબા વાદવિવાદ થાય એટલો વિલંબ સહન થઇ શકે તેમ હતું નહિ. તેથી તત્કાળ નિર્ણય થયો કે રૂઢિ પ્રતિકૂળ છતાં શાસ્ત્રમાં અનુજ્ઞા હોય તો ભોજન કરવું. શાસ્તર જોવાની પણ જરૂર રહી નહિ, કેમકે ભદ્રંભદ્રે ખાતરી કરી કે 'શાસ્ત્ર પ્રતિકૂળ છે નહિ અને હોઇ શકે નહિ. અન્ન દેવ છે. તેના સમક્ષ ઊભા રહેવાનો નિષેધ નહિ પણ વિધિ હોવો જોઇએ. વળી શાસ્ત્ર તો કામધેનુ છે, જે અને જેવા આધારની ઇચ્છા હોય તે અને તેવા આધાર શાસ્ત્રમાંથી નીકળી શકે છે.'

સર્વના ચિત્તનું સમાધાન થયું અને ભોજનવ્યાપાર પાછો પ્રવર્તિત થયો. ધીમે ધીમે પ્રથમની સ્થિતિ પાછી વ્યાપી ગઇ.ભોજનપ્રસંગનો અંત જેમ નજીક આવતો ગયો તેમ પીરસનારાની ઉતાવળ અને જમનારની અધીરાઇ વધવા લાગ્યાં,દોડ્યા જતા પીરસનારને જમનાર ધદી ઘડી પાછા બોલાવવા લાગ્યા અને પીરસનાર મિષ્ટ ભોજન પદાર્થો આપવાને બદલે 'આટલું તો ખાઇ જા'નો કટુ ઉપદેશ આપવા લાગ્યા.ભોજન પૂરું થઇ જવાનો ભય હોવાથી જમનારા ભૂદેવો ઝઘડા ઓછા કરવા તત્પર થયા હતા અને હોલવાઇ જતા દીવાને ઉત્તેજન કરવાની ભલામણ ઉચ્ચારવા જેટલો પણ કાલક્ષેપ કરતા બંધ થયા હતા. 'માબાપ હવે તો ઊઠજો,કંઇ રહેવા દેજો,' એવા ઢેડવાધરીઓના પોકારો ઘડી ઘડી સંભળાતા હતા;ખાલી પાત્રો લઇ ફરતા પીરસનારાઓ વિધ વિધ વાનીઓ 'જાય છે, જાય છે' એવો ઘોષ કરતા હતા અને છેવટની વાનીઓ આવવાની છે એવાં આશાવચનો કહી સંભળાવતા હતા. પીરસનારા પોતાના ભોજનની ગોઠવણ વિશે અરસપરસ સલાહ પૂછવામાં અને આજ્ઞા કરવામાં ગૂંથાયા હતા. છેવટની વાનીઓએ કેટલેક ઠેકાણે પીરસાઇ હતી, કેટલેક ઠેકાણે પીરસાતી હતી અને કેટલેક ઠેકાણે પીરસાવા આવવાની બાકી હતી, એવામાં એકાએક ઢેડવાઘરી-ભીખારીઓ હલ્લો કરી અંદર ધસ્યા અને નાતમાં હૂલકું પડ્યું.જમી રહેલા અને બહુધા સંતોષ વળે એટલું જમી રહેલા ભૂદેવો ઉતાવળે હાથ ધોઇ ઊભા થઇ ગયા. અસંતુષ્ટ રહેલા 'બેસજો, બેસજો' એવી અરણ્યમાં કરેલ રુદન સમાન વ્યર્થ બૂમો પાડવા લાગ્યા. ધસી આવેલાઓ પત્રાળીઓ પર તરાપ મારવા લાગ્યા. ભૂદેવો તેમના પર પાણીના લોટા ઢોળવા લાગ્યા. પણ તેથી શત્રુઓ હઠ્યા નહિ. સ્પર્શ કરવાને અસમર્થ હોવાથી ભૂદેવો નિરુપાય થઇ ગયા અને નાસાનાસી ચાલી રહી. આખરે હું અને ભદ્રંભદ્ર પણ ઠામેથી ઉઠ્યા અને પાસેના ઓટલા પર ચડી ગયા.અમારી પત્રાળીમાંના અવશેષ બે વાઘરણો અને ત્રણ છોકરાં ઝડપથી ખાઇ જતાં હતાં તે હું વૈરાગ્ય ધરી ઉદાસીનતાથી જોઇ રહ્યો હતો.પરંતુ ભદ્રંભદ્ર ક્રોધથી ઉશ્કેરાયા અને બોલી ઉઠ્યા,

'શૂદ્રો!ચાંડાલો!અધમ જનો!આકાશમાં તપ કરતા તપસ્વી સ્વર્ગભ્રષ્ટ થઇ