આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી, ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઊપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.’ એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બંનેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્ર પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘ક્યી નાત છો ?’ ‘બ્રાહ્મણ છીએ.’ એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો ?’ ‘મુંબાઈ’ કહ્યું, એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદીઓ અને ઘોરખોદીઓ છે. છોકરાં ન જીવે તેથી મા-બાપે એવાં નામ પાડેલાં.’

એક ઉતારુ બોલ્યો કે, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે ?’

બીજો ઉતારુ બોલી ઊઠ્યો, 'અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલભો મુંબાઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડાં મળે છે તેના જેવા-કોઠા છે. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે. તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે, એટલે તેના જોરથી પેલા કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર ઝરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી. ખરી વાત છે. ઘણાએ અજમાવી જોયેલું છે.'

૩ : આગગાડીના અનુભવ, વક્તૃત્વોત્તેજન-શાસ્ત્રાર્થ

આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે પેલા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું કે, ‘માધવબાગની જાત્રાએ જાઓ સો? એ તીરથ ક્યાં આવ્યું ?’

આવું શરમ ભરેલું અજ્ઞાન જોઈ સ્તબ્ધ થઈ મેં ભદ્રંભદ્ર ભણી જોયું.

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ? જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરન્તમાં વ્યાપી રહ્યા છે, દિગન્તમાં રેલી રહ્યા છે; જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગજ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી