આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાણીથી સાક્ષરની પંક્તિ મળતી નથી. પરંતુ અમારા "પંડિતશિરોમણિ" પદના ઘોષના જોશમાં વાગતાં ઢોલનગારાંના અવાજમાં એ નિંદાવાક્ય સાંભળતા ન હોય એવી અમે આકૃતિ ધરીએ છીએ. અમારી અંતરની વેદના અમે બહાર પડવા દેતા નથી.'

'શાસ્ત્રીની મહાન પદવીને ગૌણ ગણવાથી થયેલી એ શિક્ષા છે. શાસ્ત્રી હોવું એ જ માત્ર વિદ્વાનનું આર્યોચિત પરમ ભૂષણ છે. અન્ય પ્રકારની સાક્ષરતાની વાંછામાં શાસ્ત્રોનો અનાદર થાય છે.'

આ સંભાષણથી હરજીવનને અધીરાઈ થઈ હતી. ભદ્રંભદ્ર બોલી રહ્યા એટલે તેણે પૂછ્યું, 'તમે તો ચંપકલાલ ચટ્ટુ કે ની ?'

ચંપકલાલે કંઈક રોષિત થઈ તથા માનભંગ પામી જવાબ દીધો, 'મારા પિતાનું નામ તુળજારામ છે, અને વણિક જ્ઞાતિમાં વંશપરંપરાથી ચાલતા આવેલા સંપ્રદાય પ્રમાણે તેઓ પોતાના નામના પ્રથમાક્ષરનો ઉચ્ચાર 'ટુ' કરે છે. આથી કેટલાક મૂર્ખ જનો મારા આખા નામના પ્રથમાક્ષરોનો ઉચ્ચાર 'ચટ્ટુ' કરી વૃથા ઉપહાસ કરવા પ્રયત્ન કરે છે.'

શિવભક્ત બોલી ઊઠ્યા, 'અમે તો એટલું જાણીએ કે ચંપકલાલ ચટ્ટુ, નહિ ઘોડા નહિ ટટ્ટુ' એવું કહેવાય છે. પોતાને વિદ્વાન લેખક કહેવડાવવાનાં ફાંફાં મારતાં સાધારણ માણસની સમજણ પણ ખોઈ બેઠા છો અને નથી ઘોડામાં કે નથી ટટ્ટુમાં.'

'તમારી મૂર્ખતા મુકાવવા કાવો પાવો પડશે અક્કલનો. મારા નૈપુણ્યમાં ચણા જેટલી પણ મણા નથી તે ઘણા અજ્ઞાનમાં અટવાયેલા અનક્ષર લોકો ક્યાંથી જાણે ? હું અને પ્રસન્નમનશંકર દુનિયામાં સહુથી ડાહ્યા છીએ એ વિશે મારી એકલાની જ ખાતરી છે એમ નહિ પણ પ્રસન્નમનશંકરની પણ ખાતરી છે ! તમારા જેવા દમ વિનાના દગાબાજ દુષ્ટો -'

શિવભક્તે ચંપકલાલના વાંસામાં મુક્કો લગાવ્યો તેના ધબકારામાં ખબર પડી નહિ કે ચંપકલાલ બાકીનું વાક્ય ધીમેથી બોલ્યા કે, સમૂળગું બોલ્યા નહિ.

સિપાઈએ બહારથી બારણાં ઠોક્યાં તેથી સૌ શાંત થઈ ગયા. થોડી વાર પછી હરજીવને ચંપકલાલને પૂછ્યું, 'એટલા બધા હુશિયાર છતાં શી ભૂલથી કેદમાં આવ્યા ?'

'ભૂલ તો ધૂળ જેટલી હું કદાપિ કરું નહિ; કદાચ કરનારની કસૂરથી મારે તુરંગમાં તણાવું પડ્યું છે. સાક્ષરોને ડરાવી તેમની પંક્તિમાં મને દાખલ કરવાની ફરજ પાડવા મેં તેમના પર ટીકાને વિષે હુમલા કરવા માંડ્યા. વિરોધીઓને વ્યથા થવાની આશાએ પ્રસન્નમનશંકર પ્રસન્ન થયા અને વળી અંદરખાનેથી તેમને મારી કલમના કંટકનો ભય તેમને હતો જ; તેથી ધનસાધનાથી તેમણે મને સ્વાધીન કર્યો. અમારી એ મૈત્રીનું મહાપરિણામ તો મેં હમણાં તમને કહ્યું. બીજું પરિણામ એ થયું કે કહેવાતા સાક્ષરો ઉપર હુમલા કરવા હું ઉત્તેજિત થયો. પરંતુ મારી અનેક ટીકાઓ પ્રસિદ્ધ થવા છતાં તેમને કંઈ પણ અસ્વસ્થતા થઈ નહિ અને તેમણે કંઈ પણ ઉત્તર આપ્યા નહિ. આ અવગણનાથી હું નિરાશ થયો. પરોક્ષ રીતે મેં કેટલાક સાક્ષરોને મારી જોડે વિવાદમાં ઊતરવાની સૂચનાઓ મોકલાવી. પણ "ન્હાનાં જંતુઓને દૂર કાઢવા દારૂગોળો વાપરવાની જરૂર નથી." એવાં વચનો તેમને મોઢે નીકળતાં સાંભળી હું ક્રુદ્ધ થયો.