આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખશે. સુધારાના મોહમાં પડેલા તે સનાતન આર્યધર્મનું રહસ્ય શું સમજે !'

ભદ્રંભદ્ર અને ચંપકલાલ વચ્ચેનો કલહ પ્રસિદ્ધ થઈ જવાથી અમારી કોટડી બદલી. બંને પ્રાજ્ઞનો સહવાસ અમને વધારે થયો. તેમના સુખ માટે 'પોલિટિકલ' ગૃહસ્થ તરફથી અનેક ગુપ્ત યુક્તિઓ થતી હતી તેનો લાભ અમને પણ મળવા લાગ્યો, વિવિધ આહારની પોટલીઓ કોટ બહારથી અને છાપરા પર પડતી હતી તેમાંથી અમારો ભાગ પડવા લાગ્યો તથા જેલનું દુ:ખ ઓછું જણાવા લાગ્યું. એ અવસરમાં અમે કરેલી અપીલનો ફેંસલો થયો. અમારી સજા ઓછી થઈ અને અમને બંનેને જેલમાંથી છોડી મૂક્યા.


૩૦ : જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા

અમને જેલમાંથી મુક્ત કર્યાની ખબર અમારા મિત્રોને મોડી પડી, તેથી અમને સામા તેડવા આવતાં વાજાંવાળા તથા વાવટાવાળાને રસ્તેથી પાછા વાળવા પડ્યા. અને જેલથી ભદ્રંભદ્રના ઘર સુધીના રસ્તા ઉપર બાંધવા માંડેલા તોરણ પૂરાં બંધાઈ રહ્યા પહેલાં છોડી નાંખવાં પડ્યાં.

માન પામવાની તક આ રીતે નકામી ગઈ તેથી ભદ્રંભદ્ર નિરાશ થયા નહિ. માન પામ્યા વિના રહેવું નહિ એવો તેમણે સંકલ્પ કર્યો અને શંકરને સાક્ષી રાખ્યા.

આ સંબંધે ગોઠવણ કરી આપવાની ભદ્રંભદ્રે સંયોગીરાજને અનેક વાર વિનંતી કરી પણ તે પોતાને માન આપવાની ગોઠવણમાં પડેલા હતા, તથા ભદ્રંભદ્ર છૂટ્યા તેથી આર્યપક્ષનો જય થયો છે એ વાત તેમણે ઘણી વખત કહ્યા છતાં તેના મહત્વ વિશે તેમણે એકે વચન ઉચ્ચાર્યું નહિ. છેલ્લા નિષ્ફળ પ્રયત્ન પછી તેમને ઘેરથી પાછા આવતાં રસ્તામાં ભદ્રંભદ્રે ખિન્ન થઈ કહ્યું.

’સંયોગીરાજને આર્યપક્ષ માટે કે આર્યધર્મ માટે અંતરની ગણના હોય એ જ શંકાભરેલું છે. તેમની સ્વેચ્છાના પ્રાબલ્યમાં હું સહાયભૂત ન થાઉં માટે શું હું આર્યપક્ષનો અગ્રણી ટળી ગયો ? સુધારાવાળા તેમના ઉદ્યમ નિષ્ફળ કરતા હશે તે સુધારાના સિદ્ધાંતને અનુસરીને કરતા હશે, પણ મારે એવા કોઈ સિદ્ધાંત લક્ષમાં નથી. આર્યપક્ષનો અગ્રેસર હોઈ હું સંયોગીરાજથી વધારે માનપાત્ર છું અને તેથી જ તેમના ઉદ્યમમાં સહાય થઈ શકતો નથી. મારી માનયોગ્યતાની તો તેઓ કે તેમના પાર્શ્ચચરો કોઈ કાળે ના પાડી શકતા નથી.’

મેં કહ્યું, ’પાર્શ્વચરો કહે છે કે "દોસ્તીકી દોસ્તી મુબારક હવે તો દોસ્તીકી મસ્તી ભી મુબારક હયે." અને સુધારાવાળા કહે છે કે "દોસ્તની મસ્તી મુબારક ન હોય તો દોસ્તની દોસ્તી પણ મુબારક ન હોવી જોઈએ."

’સુધારાવાળાનો સિદ્ધાંત આર્યપક્ષને કેવળ અમાન્ય છે. શ્રીકૃષ્ણ આપણને પ્રિય લાગે છે તો શું તેમની ગોપીક્રિડા આપણને પ્રિય નથી ? પાંડવો આપણને અભિમત છે તો દ્રૌપદીનું પંચસ્વામિત્વ આપણને અભિમત નથી ? કાલિકા આપણને પૂજ્ય છે તો શું તેનું રુધિરપાન આપણને પૂજ્ય નથી ? વર્તન પરથી પુરુષો પ્રશંસનીય થતા નથી, પુરુષ