આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉલ્લાસનો ભંગ થવાથી ભદ્રંભદ્ર કેટલીક ક્ષણ સુધી ખિન્ન રહ્યા પરંતુ થોડી વારે નવી ઊર્મિ અને ઉત્સાહના આવેશથી ઉશ્કેરાઈને બોલ્યા,

’એ જ યોગ્ય સ્થાન છે, એ જ યોગ્ય અવસર છે. ત્યાં સર્વ સિદ્ધિ થશે.’

’મહારાજ ! શાની સિદ્ધિ ?’

’એક જ સિદ્ધિ હાલ જગતની ચિંતાનો વિષય છે, મારા યથાપ્રકાશની સિદ્ધિ એ ખેલના સ્થાનમાં યથેચ્છ રીતે થઈ શકશે.’

’ખેલ કરનાર વિદેશી યવનો છે. તેમના મંડપમાં આપણને શી સહાયતા મળશે ?’

’સર્વ યોજના મારા મનમાં રમી રહી છે. અતિશય પ્રશ્ન પૂછવા એ સુધારાવાળાની વૃત્તિ છે. આર્યોને કુચેષ્ટા ઘટિત નથી. રાત્રે એ સ્થળે જવા ત્વરાથી સજ્જ થઈ રહેજે.’

સજ્જ થવામાં ઘણી મહેનત કરવાની હતી નહિ. રાકળ યાવની પહેરવેશ અમારે વજર્ય હતો તેથી ઉનાળામાં ધોતિયાં, શિયાળામાં મૃગચર્મ અને ચોમાસામાં ધાબળી, તથા બારેમાસ પાઘડી એ સિવાય બીજું કાંઈ વસ્ત્ર અમારા શરીરને સ્પર્શ કરી શકતું નહોતું. ચામડાં આર્યોના અંગને અશુદ્ધિકર હોવાથી ઈશ્વરે આપેલી ત્વચા અને ઋષિઓને ગમી ગયેલા મૃગચર્મ સિવાય સર્વ ચર્મમય પદાર્થ અમારે ત્યાજ્ય હતા અને તેથી પગના રક્ષણ માતે પણ પાવડીઓ સિવાય બીજું કંઈ પણ અમે પહેરતા નહોતા. ભદ્રંભદ્રની વેશસંહિતામાં એટલા જ અધ્યાય હોવાથી સજ્જ થવામાં અમારે વિશેષ કાલક્ષેપ કરવો પડ્યો નહિ અને રાત્રે આઠ વાગે અમે ખેલને મંડપે ગયા.

મંડપની આસપાસ બધી બાજુએ લોકોનો જમાવ થયેલો હતો. પૈસા ખરચી ખેલ જોવા મંડપની અંદર જનાર કરતાં વગર પૈસે બહારથી બને તેટલો ખેલ જોવા આવનારની સંખ્યા ઘણી વધારે હતી અને તેમાં ગરીબ માણસો જ નહોતા. ઉદિષ્ટ પ્રયોજન સારુ ભદ્રંભદ્રને મંડપની અંદર જવાની જરૂર હતી તેથી આસપાસ ચાર પાંચ ચક્કર ફરીને મંડપમાં વગર પૂછ્યે દાખલ થઈ જવાનો માર્ગ નથી એવી ખાતરી કરી અમે મંડપના દરવાજા તરફ ગયા.

દરવાજા આગળ કાકડાના બે મોટા દીવા હતા અને તેથી પ્રકાશથી અંદરના ચકડોળની કેટલીક રચના દેખાઈ હતી. દરવાજાને બહારની તરફથી બારણું હતું ત્યાંથી ટિકિટ લઈ પેઠા પછી અંદર પેસવાનું બીજું બારણું હતું ત્યાં ટિકિટ જોઈ અંદર જવા દેતા હતા. બહારના બારણા પાસે ટેબલ-ખુરશી નાખી એક યુરોપીયન ટિકિટો આપવા બેઠો હતો. તેના કરચોળીવાળા તથા ખાડા પડેલા ગાલ, આંખમાંથી આગળ પડતા ખુલ્લા ડોળા, છૂટા ઊડતા વાળ અને પહોળાં તથા ઢીલાં લૂગડાં પરથી તે બહુ સન્માન યોગ્ય જણાતો નહોતો પરંતુ તે વિદેશી હતો અને તેની પાસે જાડી લાકડી હતી તેથી અવગણના કરવા લાયક કોઈને લાગતો નહોતો. તેની જોડે ટેબલથી કંઈક આઘે ખુરશી પર એક મરેઠો બેઠો હતો. તેનો બટનની બે હારવાળો ટૂંકો કોટ, ઘૂંટીથી અડધો વેંત ઊંચું પહેરેલું પાટલૂન, મોજાં વગર પહેરેલા લોઢાના બકલવાળા ’હોલ બુટ’ એ સહુ ઊતરેલાં લૂગડાંની દુકાનમાંથી ખરીદ કરેલાં જણાતાં હતાં. ફક્ત માથે પહેરેલી