આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પહોળી વાળની ગોળ ટોપી નવી હતી. તેના મોહોડામાંથી મહુડીની વાસ નીકળી ચારે તરફ ફેલાતી હતી પરંતુ તે સાહેબનો વિશ્વાસુ સલાહકાર હતો. તેથી તે પણ ટોળા મળેલા લોકો તરફથી માન પામતો હતો. ’સકારામ ! હીડર દેખો,’ એમ કહી સાહેબે તેને બોલાવી તેનો મત પૂછતા ત્યારે લોકો વિસ્મય અને કુતૂહલથી એ દેખાવ તરફ જોઈ રહેતા અને સખારામ ગર્વભરી દૃષ્ટિ ચારે તરફ ફેરવતો. એવો પ્રસંગ આવી ગયાને કંઈ વખત ગયો હોય અને લોકોનો ઉત્સાહ શિથિલ થતો જણાતો હોય ત્યારે સખારામ પોતાના હાથમાંની ટૂંકા ડંડાવાળી ચાબુકની લાંબી સેર હવામાં જોરથી ફટકારતો હતો અને લોકોને દૂર કહાડવાને બહાને તેમની પાસે જઈ અનેક મિષે તેમને હસાવતો હતો તથા રૉફ દેખાડી ખુશ કરતો હતો.

ટિકિટના પૈસા સાથે લાવવાનું રહી ગયાનું યાદ આવતાં હું એકદમ અટક્યો અને મુશ્કેલીની વાત ભદ્રંભદ્રને કરી. તેમણે કહ્યું,

”આટલી બધી ધામધૂમ સાથે વાહન મોકલી આપણે ઘેર નોતરું મોકલેલું છે તેથી આપણે મૂલ્યપત્રિકાને ક્રય કરવાની આવશ્યકતા નથી તું નિશ્ચિંત રહી મારી સાથે ચાલ.’

દરવાજા તરફ ભદ્રંભદ્ર સપાટામાં ચાલ્યા અને હું પણ તેમની પાછળ ધડકતે હૃદયે ચાલ્યો. ટેબલથી અગાડી અગાડી અમે વધ્યા એટલે સાહેબે કંઈક ઘાંટો કાઢી કહ્યું,

’ટિકિટ લેઓ.’

ભદ્રંભદ્ર અચકીને ઊભા. હું પણ તેમની પાછળ ઊભો. ભદ્રંભદ્રે મારા તરફ જોયું, સાહેબ તરફ જોયું, સખારામ તરફ જોયું અને પછી મંડપના અંદરના ભાગ તરફ ડોકિયું કર્યું. લોકોના ટોળા તરફ જોઈ સખારામ બોલ્યો,

’ગાંડો ચ્છ્‍યે.’

લોકો ખડખડાટ હસી પડ્યા. ભદ્રંભદ્ર કાંઈક નારાજ થયા પણ કંઈ ન બોલતાં તેમણે અગાડી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. સાહેબે વધારે ઘાંટો કાઢી કહ્યું,

’ટિકિટ લેઓ.’

ભદ્રંભદ્ર કંઈ બોલ્યા નહિ તેથી સાહેબે સખારામ તરફ ફરી કહ્યું,

’સકારામ, હીડર દેખો. ટિકિટ લેઓ બોઓલો.’

સખારામે ભદ્રંભદ્ર ભણી જોઈ કહ્યું,

’અરે ! તૂ ટિકિટ લ્હયે.’

ભદ્રંભદ્રે કહ્યું, ’નિમંત્રણથી જેમનું આગમન છે તેમને મૂલ્યપત્રિકાની આવશ્યકતા નથી’

ભદ્રંભદ્રે અંદરના ભાગ તરફ ફરી ડોકિયું કર્યું.

સાહેબ અધીરા થઈ ઊભા થયા અને સખારામ તરફ જોઈ ભાર મૂકી બોલ્યા,

’સકારામ, હીડર દેખો. કોઓન કલાસ ?’

સખારામ ઊઠીને અમારી પાસે આવ્યો અને ભદ્રંભદ્રની ભણી જોઈ બોલ્યો. ’તૂને કોણત્યા કલાસ જોઈસ્યે ?’

'નિમંત્રણ છે.'