આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

’કુરચી કે બાંક ?’

’એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. પ્રથમ નિમંત્રણ કરવું અને તદનંતર મહાપુરુષોનું આવું માનભંગ કરવું એ કેવળ અનુચિત છે.’

’મોઠો દગડ ચ્છ્‍યે,’ એટલું કહી સખારામે હાસ્યવૃત્તિ ધરી લોકો તરફ જોયું એટલે લોકો ખડખડાટ હસી પડ્યા. પાછું ભદ્રંભદ્ર તરફ જોઈ તે બોલ્યો.

’અરે તૂ સું ક્યેચ્છ્યે ? હા ઠિકાણે ટિકિસ વિક્ત મિલછ્ચ્યે. તૂને જોયે ?’

’મૂર્ખ તું કોને તું તાં કરે છે ?’

’ઓહો ! બાજીરાવ રાગવલે !! તૂં કોણ ચ્છ્‍યેરે ?’

’શું ? આર્ય પક્ષના પરમ પૂજ્ય સર્વોપરી મુખ્ય અધ્યક્ષને તું હજી ઓળખતો નથી ? શું વેદધર્મ એટલો બધો વિસારે પડ્યો છે ? શું શાસ્ત્રગ્રંથો નિત્ય પાઠ-કોણ પ્રસન્નમનશંકરભાઈ કે ?’

છેલ્લું વાક્ય ભદ્રંભદ્ર ઊંચા થઈ મંડપના દ્વારમાં વધારે ઊંડું ડોકિયું કરી એકાએક મોટે નાદે બોલી ઊઠ્યા.

’હા પધારો, પધારો, ભદ્રં -’

ઘાંટો પ્રસન્નમનશંકરનો હતો અને મંડપ અંદરથી સંભળાયો પણ, તેઓ ચકડોળમાં બેઠેલા હોવાથી ચકડોળના ચક્કર સાથે અગાડી ચાલ્યા ગયા અને બીજું વધારે શું બોલ્યા તે સંભળાયું નહિ.

ઘાંટાઘાંટ અને ગરબડથી સાહેબ ગુસ્સે થઈ ગયા. ટેબલ અને ખુરશીના વચ્ચેથી બહાર આવી ઉશ્કેરાઈને બોલ્યા,

’સકારમા, હીડર દેખો. હટાઓ, નિકાલો.’

સખારામ ભદ્રંભદ્રની છેક પાસે આવ્યો અને ચાબુક થોડી ઊંચી કરી બોલ્યો,

’બાહેર નિકલ ભામટા ! નહિતર ધકા મારસ્યે.’

ચાબુકના દાંડાની પિત્તળની ખોલીનો હથોડી-આકારનો છેડો (’હજારફંદો’) ભદ્રંભદ્રના નાકની બહુ પાસે આવ્યો હતો તેથી તે વાગે નહિ તે માટે પાછા હટી ભદ્રંભદ્ર બોલ્યા,

’હે અજ્ઞાતનામા યવન ! તથા હે સખારામનામા અનાર્ય થયેલા આર્ય ! જે સનાતન ધર્મના જગદાન્નદકન્દ ઉદ્ધાર માટે હું દેશદેશ પર્યટન કરું છું તેના સુરાસર વિસ્મયાવહ રહસ્યની તમને અણુતમાથી અણુતમા કલ્પના હોય તો આ ક્ષણે તમે આવા હતભાગ્ય થાઓ નહિ. એતત્‌ સત્ય કે યવનો સમુદ્રગમન કરી આ દેશમાં પ્રવેશ કરે છે અને સમુદ્રગમનના શાસ્ત્રોક્ત અતિ ઘોર પાપથી તેમની દૃષ્ટિ અન્ધપ્રાયા થઈ સૂક્ષ્મતમ રહસ્યનું નિરીક્ષણ કરવા અસમર્થા થાય છે. પરંતુ તું જે -’

સાહેબ લાકડી ઉગામી આગળ ધસ્યો અને પગ ઠોકી બોલ્યો,

’સકારામ હીડર ડેખો, પોલીસ ! પોલીસ !’

સખારામ એકદમ ’પોલીસ પોલીસ’ની ગર્જના કરવા મંડી ગયો અને પ્રથમ ચાબુક હવામાં સારી પેઠે ફટકાવી લઈ અમને બંનેને વારાફરતી ધક્કા મારી તેણે પાછા હઠાવવા માંડ્યા. લોકો આસપાસ ભરાઈ ગયા. તેમની વચ્ચેથી લોકોની પાઘડીઓ