આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું મારા બ્રહ્મતેજ વડે કહી શકું છું. કુંકુમની અર્ચા બંધ કરી હવે પુષ્પની અર્ચાનો આરંભ કરો અને એ લાકડાથી નહિ પણ હાથથી કરજો કેમ કે તેમાં વિશેષ પુણ્ય છે. આ નાળિયેર આણ્યાં જણાય છે. તે વડે હવે પૂજા કરવાની હોય તો તે મારા પર ફેંકવા કરતાં મને હાથોહાથ આપવાની હું તમને ભલામણ કરું છું. નાળિયેર સરખી વસ્તુઓ ફેંક્યાથી અખંડતા ખંડિત થવાનો સંભવ રહે છે, અને અખંડતાની ખંડ -’

સાહેબ દસ-પંદર પોલીસના સિપાઈઓને લઈને મંડપમાં દાખલ થયા અને તેમણે ચકડોળ ઝાલીને હલાવ્યું તેથી ભદ્રંભદ્ર એકાએક અશ્વભ્રષ્ટ થઈ અષ્ટાંગ સાથે ભૂમિના સંસર્ગમાં આવી ગયા. બંબેરાવના ખભા ઉપર ઊભેલા પાર્શ્વચરની પણ એ જ ગતિ થઈ. બંબેરાવ નિશ્ચળ રહ્યા. માત્ર તે પાર્શ્વચરના પગનો તથા હાથમાંની વસ્તુઓનો તેને વિશેષ સ્પર્શ થયો.

અમે બધા થાકેલા તો હતા જ, અને પોલીસવાળાના વિશેષ આગ્રહથી તરત ઘેર ગયા એ સિવાય બીજું કંઈ જાણવા જોગ આ પછી તે રાત્રે બન્યું નહિ.

ભદ્રંભદ્રના જીવનનું વૃત્તાન્ત હવે વર્તમાન સમયની પાસે આવ્યું છે. લોકોના સ્મરણમાં તાજી રહેલી હકીકતથી કંઈક અંતરે દૂર રહેવું જોઈએ એ ઇતિહાસકારોના નિયમોને અનુસરી આ કથા અહીંથી બંધ કરવી એ ઉચિત છે. ભવિષ્યકાલમાં કોઈ પ્રસંગે આ મહાપુરુષની જીવનકથાનો બાકીનો ભાગ પ્રસિદ્ધ થઈ શકશે એવી તેમના ભક્તને આશા છે.

⚫⚫