આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફરીને કહ્યું, ‘સમાલીને બોલજે.’

પેલાએ કહ્યું કે ’જા, જા; સાળા હજામગોર, તું શું કરવાનો છે ?’

શિવશંકરે ઉત્તરમાં મુક્કી બતાવી. પેલાએ પ્રત્યુત્તરમાં મુક્કી લગાવી. આમ સભ્યતા આપ-લે કરતાં બંને નીચે ખસી પડ્યા. કેટલાક બંને પક્ષની મદદમાં શામિલ થઈ ગયા, કેટલાક તેમની ખાલી પડેલી જગ્યાએ ચઢી ગયા.

હો હો ચાલતી હતી તેવામાં સભામાં મધ્ય ભાગમાં તાળીઓ પડવા લાગી. અમે પણ તાળીઓ પાડતા તે તરફ ઊંચા થઈ જોવા લાગ્યા. કોઈ ચકરી પાઘડીવાળો લાંબા હાથ કરી મરાઠીમાં બોલતો હતો. તે શું કહે છે તે પૂરું સંભળાયું નહિ. સંભળાયું તેટલું સમજાયું નહિ. તે બેસી ગયા પછી એક ગુજરાતી બોલવા ઊઠ્યો. બધે સંભળાય માટે તે ખુરશી પર ઊભો થઈ ગયો. તેણે પાઘડી જરા વધારે વાંકી મૂકેલી હતી. મૂછના આંકડા ચઢાવેલા હતા. કલપ લગાવવો રહી ગયો હશે ત્યાં મૂછના કોઈ વાળ સહેજ ધોળા જણાતા હતા. પાનથી હોઠ લાલ થયેલા હતા. બાંહ્યો ચઢાવી તેણે બોલવા માંડ્યું :

’ગૃહસ્થો ! આજની સભા શા માટે મળી છે તે આપણી ભાષામાં કહેવાનું માન મને મળ્યું છે. એ માનથી હું ઘણો મગરૂર થાઉં છું. એ માન કંઈ જેવું તેવું નથી. આજકાલ યુરોપની ભાષામાં બોલવું એ મહોટું માન ગણાય છે. પણ હું સમજું છું કે હું કેવો ગધેડો (હર્ષના પોકાર) કે મેં યુરોપનું નામ પણ સાંભળ્યું. હું સમજું છું કે હું કેવો અભાગિયો કે મેં યુરોપની ચોપડીઓનો અભ્યાસ કર્યો (તાળીઓ). હું સમજું છું કે હું કેવો મૂરખો કે મેં યુરોપની રીતભાતો જાણી (હસાહસ). માટે પ્રમુખસાહેબ, હું આપનો ઉપકાર માનું છું, કે આપણી ભાષામાં ભાષણ કરવાનું માનવંતુ કામ મને સોંપ્યું છે. તે માટે ગૃહસ્થો, હું તમને મગરૂરીથી કહું છું કે મારા જેવા સાદા આદમીને આવું માન વગરમાગ્યે મળ્યું નહિ હોત તો હું તે લેત નહિ. હવે આજની સભામાં શું કરવાનું છે તે મારે તમને કહેવું જોઈએ. તમે સહુ જાણો છો કે સુધારાવાળાઓ લોકોની ગાળો ખાય છે તોપણ સુધારો કરવા મથે છે. મારા જેવા આબરૂદાર માણસો સુધારાવાળાના સામા પક્ષમાં દાખલ થઈ બહુમાન પામે છે, તે પરથી સાફ જણાશે કે સુધારાવાળા થવું ફાયદાકારક નથી. સુધારાવાળાના અગેવાન મલબારી છે, તેને લોકો શું કહે છે તે પરથી સાફ જણાશે કે એ કામમાં લોકપ્રિય થવાનું નથી. તોપણ તે સરકારને અરજી કરવા માગે છે કે બાળલગ્ન અટકાવવાનો કાયદો કરવો. આપણા ધર્મશાસ્ત્રમાં બાળલગ્ન કરવાનું લખેલું છે. એટલે તે માટે હું વધારે બોલવાની જરૂર ધારતો નથી. શું આપણે ધર્મવિરુદ્ધ જવું ? શું આપણો ધર્મ ચૂકવો ? કદી નહિ (તાળીઓ). વળી, સરકારને વચ્ચે નાખવાની શી જરૂર છે ? બાળલગ્નનો રિવાજ શો ખોટો છે કે સુધારો કરવાની જરૂર પડે ? અને જરૂર પડે તો શું આપણે નહિ કરી શકીએ ? આપણે આટલી બધી કેળવણી પામ્યા ને સરકારની મદદ લેવી પડે ? આપણા બધા રિવાજ બહુ લાભકારક છે. તે બતાવી આપે છે કે આપણા જેવા વિદ્વાન, આપણા જેવા ડાહ્યા, આપણા જેવા હોશિયાર બીજા કોઈ નથી. તો પછી આપણા જેવા લોકોના રિવાજ ખોટા કેમ હોય ? તેમાં સુધારો કરવાની શી જરૂર હોય ? પ્રમુખસાહેબ છે, હું છું, એવા મોહોટા