આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોજન કરતાં ક્ષુધા જાય તેમ ગાડી ચાલતાં રાત જણાયા વિના જતી રહી. પાશ્ર્ચાત્ય જડવાદની ભ્રષ્ટ રીત પ્રમાણે કૂકડા બોલતા સંભળાયા વિના વહાણું વાયું અને દાતણ કર્યા વિના દહાડો ચઢયો. દિવસ તપવા માંડ્યો તેથી અમદાવાદ આવ્યું, કે અમદાવાદ આવ્યું તેથી દિવસ તપવા માંડ્યો તે સમજણ ન પડી. પણ એટલી તો ખબર રહી કે અમારાં હ્રદય તો તે કારણોથી સ્વતંત્ર જ તપતાં હતાં, અમારાં એકલાનાં જ હ્રદય તપ્ત નહોતાં, ઇંજનનું હ્રદય પણ તપ્ત હતું. પૈડાંનું હ્રદય પણ તપ્ત હતું, આર્ય ધર્મનો ચમત્કાર જ એવો છે કે એકની ભ્રષ્ટતા સર્વ કોઇને તપ્ત કરે છે. માટે જ શાસ્ત્રમાં આવે વખતે સ્નાન કરવાનું લખ્યું છે.સ્ટેશન પર સર્વ જનો શૂન્યચિત્ત ફરતા જણાતા હતા. અમારા તરફ કોઇએ દૃષ્ટિ પણ ન કરી. દૃષ્ટિસુખની તો હવે આશા જ મૂકી હતી. દેખતાં છતાં ન દેખતાં અમે ઊતરી સ્ટેશન બહાર આવ્યા.

ભદ્રંભદ્રે ધાર્યું હતું કે વખતે સ્ટેશન પર કોઇ પાણી લઇ નહવડાવવા આવ્યું હશે, પણ કોઇ નહોતું આવ્યું તેથી સાંભર્યું કે, મૃત્યુ સરખે બીજે અમંગળ પ્રસંગે આપણે જીવતા રહેલા અશુચિ થઇએ તેથી સ્નાન આપણે કરવાનું હોય. પણ સુધારાના મોહથી થયેલે આવે વિપરીત પ્રસંગે તો ભ્રષ્ટાચારથી મૂવેલા હોય તે અશુચિ થાય તેમને સ્નાન કરવાનું હોય. આમ શાસ્ત્રાર્થ બરાબર બેઠા તેથી અમે ઘર તરફ ચાલ્યા, રસ્તામાં ભદ્રંભદ્રના મનમાં વંદો જ રમી રહ્યો હતો, રસ્તે દોડતી ઘોડાગાડીઓ વિષે ઘડી ઘડી વંદાગાડીને નામે તે વાત કરતા હતા. મને દસ વાર અંબારામને બદલે વંદારામ કહી બોલાવ્યો. મુંબઇથી નીકળ્યા ત્યારથી અમદાવાદને વંદાવાદ કહેવાઇ જવાતું હતું. રસ્તામાં પથરો કે કાંઇ પણ કાળી વસ્તુ દેખે તો રખેને વંદો હશે ને છૂંદાઇ જશે તો હત્યા લાગશે એ બીકથી પાઘડીએ હાથ મૂકી બે પગે તે પરથી અધ્ધર કૂદકો મારી અગાડી જતા હતા. મચ્છરથી કાગડા સુધીના કોઇ પણ ઊડતા પ્રાણીને બહુ સાવચેતીથી પોતાથી દૂર કહાડતા હતા.

શહેરને દરવાજે મ્યુનિસિપાલિટીના વેરા માટે હું પોટલાં છોડી બતાવતો હતો તે દરમિયાન ભદ્રંભદ્રે નાકેદારને પ્રશ્ન કર્યો કે શહેરમાં કેટલા વંદાની વસ્તી છે, કેટલા હરરોજ જન્મે છે, કેટલા હરરોજ મરે છે અને કેટલાનાં શબ દરવાજેથી જાય છે, નાકેદાર એકે પ્રશ્નનો ઉત્તર આપી શક્યો નહિ, તેથી ભદ્રંભદ્ર કોપાયમાન થયા. નાકેદારને મફતનો પગાર ખાનારો કહ્યો, સહુ કોઠાવાળાને નાલાયક ઠેરવ્યા અને અનુમાન કર્યું કે સુધારાવાળાના દબાણને લીધે આર્ય ધર્મને યથાયોગ્ય સહાયતા થતી નથી. દરવાજે ઊભેલા અને અટકાવેલા લોકો વંદાની હત્યા વિશે વાતચીત નહોતા કરતા, તેથી ભદ્રંભદ્રને બહુ નવાઇ લાગી. ક્રોધથી ઉત્તેજિત, ખેદથી મંદ, કૌતુકથી અધીર અને આશ્ચર્યથી ચકિત થઇ તે કંઇક શિથિલતા તજવા લાગ્યા. અપમાન કરવાની તૈયારીમાં આવેલા નાકેદારનો અને મૂઢ થઇ સામું જોઇ રહેલા લોકોનો પરાભવ કરવા વાગ્બાણ વાપરવા તેમણે નિશ્ચય કર્યો. દરવાજેથી જનારાને પણ શહેરમાં પેસતાં પહેલાં વંદાના વિગ્રહની બાબતમાં ખરી વાત સમજાવવાની જરૂર હતી કે તેઓ પક્ષપાતી ન થાય. સર્વનું ધ્યાન ખેંચાય એવે ઠેકાણેથી બોલવાનું હતું. એક