આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાડાવાળો ચિટ્ઠી કરાવવા ગયો હતો. તેથી તેના ગાડા પર ચઢતાં હરકત પડે તેમ નહોતું. શ્રીરામચંદ્રના હનુમાનવાળા અનુયાયીની ચંચળતાનું અનુકરણ કરી એકદમ કૂદકો મારી ગાડા પર ચઢી ગયા. ગાડામાં ભરેલા અનાજ પર ઊભા રહી બોલવા લાગ્યા કે, 'આર્યો ! સાંપ્રતકાળમાં અનાર્ય થયેલા આર્યો ! દુર્દશામાં મગ્ન રહેવાનો જ શું તમારો સંકલ્પ છે ? આર્યભૂમિની પવિત્રતા શું તમારે નિર્મૂળ કરવી છે ? વેદધર્મનું શ્રેષ્ઠત્વ વિચ્છિન્ન કરવાની શું તમારી ઇચ્છા છે ? પાશ્ચાત્ય જડવાદના મોહમાં આર્યો ચૈતન્યવાદની શું અવજ્ઞા જ કરશો ? નગરમાં રસ્તા કેટલા છે તે મ્યુનિસિપાલિટી ગણે છે. નગરમાં મસીદ કેટલી છે તે સરકાર ગણે છે. નગરમાં રૂપિયા કેટલા છે વેપારી ગણે છે. અરે ! આ તો મિથ્યાભાસી જડપદાર્થો છે તે કેમ કોઇ ને સૂઝતું નથી ? અને એ જડપદાર્થો ગણો છો પણ વંદા જેવા ચેતનની કોઇને ગણતરી નથી ? શું એ પર કોઇની દૃષ્ટિ જ થતી નથી ? તેની હત્યાઓ થઇ જાય પણ કોઇને અસર જ થતી નથી ? જડવાદના મોહથી સુધારાવાળા લોભાય છે. પણ શું આખું જગત તેથી લોભાશે ? ચૈતન્યવાદની આમ અવગણના થાય તો પછી મ્યુનિસિપાલિટીઓમાં સ્વરાજ્ય શા કામનું ? આર્યપક્ષવાદીઓને તો આશા હતી કે સ્વરાજ્ય થયા પછી મ્યુનિસિપાલિટીઓ મંદિર બંધાવશે, ચોરાશીઓ જમાડશે અને મહોટા યજ્ઞ કરશે. અરે ! 'મ્યુનિસિપાલિટી' એ મ્લેચ્છ ભાષાનું નામ તજી કંઇ અઘટિત આર્ય નામ જો ધારણ કર્યું હોત તો ધર્મશીલ આર્યોને એ મ્લેચ્છ નામના ઉચ્ચારણથી પતિત થઇ નિત્ય પ્રાયશ્ચિત કરવાં ન પડત ! સ્વરાજ્ય થયા પછી સર્વ મ્લેચ્છ શૂદ્ર ચાંડાલ સેવકોને કાઢી મૂકી, બધે સ્થાને બ્રાહ્મણોને રાખ્યા હોત તો કેવું સ્વદેશાભિમાન કહેવાત ! આર્યધર્મનો કેવો જય થાત ! સ્વરાજ્ય માટે કેવા આપણે યોગ્ય જણાત ! પરંતુ અહીં પણ સુધારાવાળા ફાવ્યા જણાય છે. જુઓ, મ્યુનિસિપાલિટીનો આ પતિત સેવક ચૈતન્યવાદની કેવી અવગણના કરે છે. આર્ય પક્ષવાદીઓનો કેવો અનાદર કરે છે, મ્લેચ્છ યવનોના સામાનને અડકી પાછો કેવો ધાર્મિક જનોના સામાનને ભ્રષ્ટ કરે છે ! એ એકેએકના સામાનને અડકીને સ્નાન કરતો હોય તો શું મરી જવાનો હતો ! પણ એ નરકે જાય કે તમે બધા નરકે જાઓ તેની મારે અપેક્ષા નથી. તમે સહુ મનુષ્ય છો. પણ બિચારા અસહાય વંદાનું શું થશે? તેની હત્યાના ઉપાય તમારી મ્યુનિસિપાલિટી નહિ લે, પણ તમે પણ નિર્દય થઇ બેસી રહેશો ? તેના રક્ષણની તમને કંઇ ઇચ્છા જ નથી ?'

આ ભાષણ સાંભળવાને લોકોનો, ગાડાની આસપાસ કંઇ જમાવ થયો હતો. મ્યુનિસિપાલિટીનો નોકર કંઇ અજ્ઞાનથી, કંઇક આશ્ચર્યથી અને કંઇક ક્રોધથી ભદ્રંભદ્રને ત્રાસ કરવાની ચેષ્ટા કરતો હતો. પોલીસનો સિપાઇ તેમને નીચે ઊતરવાનું નિમંત્રણ કરતો હતો, ગાડાવાળો ગાડે ચિઠ્ઠી ચોડી ઉપર આવવાની બીક બતાવતો હતો, આ સર્વથી વિના કારણ ભડકી બળદ ગાડું લઇ નાઠા ભદ્રંભદ્ર ધર્મભ્રષ્ટની ચિંતા મૂકી દઇ સ્થાનભ્રષ્ટ થતા અટકવાની તજવીજ કરવા લાગ્યા. ગાડાવાળો પછાડી દોડ્યો. પોલીસના સિપાઇએ દોડવાની ઉત્સુકતા બતાવી ધીમે ધીમે ચાલી, 'ખડા રખો'ની બૂમો ગાડા પાછળ દોડાવી. લોકોએ તાળીઓ પાડતાં અને હો હો કરતાં ગાડા પછાડી દોડી