આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા ગયેલા હોવાથી બીજાને ત્યાં લઈ ગયા. તેમને બિલકુલ ફુરસદ ન હોવાથી ત્રીજાને ત્યાં લઈ ગયા. થોડી વારમાં સોમેશ્વર પંડ્યાને અને તે રાત્રે મળેલી નાતમાંના બીજા કેટલાકને પણ પોલીસવાળા ત્યાં લઈ આવ્યા. ભદ્રંભદ્ર તેમને આવકાર દેવા જતા હતા પણ દંડપ્રહારનો ભય ઉત્પન્ન થતાં મૌન ધારણ કરવું યોગ્ય ધાર્યું. જાતતપાસ સારુ અમને સર્વને કેદમાં રાખવાની પોલીસે પરવાનગી માગી. તે પરથી ભદ્રંભદ્ર બોલ્યા :

'ન્યાયાધ્યક્ષ, નરકમાં સાથે રહેવાનું હોય તોપણ હું આ બ્રાહ્મણચાંડાળોથી ભિન્ન ગ્રામમાં વાસ કરું. એમના સંસર્ગથી હું તાડનનો ભય રાખું છું તેમ નથી, પણ એમનો સ્પર્શ દૂષિત કરે છે, એમનો સહવાસ ભ્રષ્ટતા કરાવે છે.'

'ચૂપ રહેવા'નો હુકમ થવાથી ક્ષણ વાર શાંત થઈ ભદ્રંભદ્રે કહ્યું, 'મારું કહ્યું સાંભળવું જોઈએ. ગઈ રાત્રિમાં મને અસહ્ય દુ:ખ પડ્યું છે.'

મૅજિસ્ટ્રેટે કહેવાની રજા આપવાથી ભદ્રંભદ્રે રાતનો કંઈ વૃત્તાંત આપ્યો. પણ પોલીસ અમલદારે કહ્યું કે, 'આ આદમી બહુ જ તોફાન કરતો હતો માટે તેને સખત જાપ્તામાં રાખવો પડ્યો છે તે સિવાયની બધી વાત જૂઠી છે.' તેથી એ વિના બીજું કહેવું હોય તે કહેવાની રજા મળી. ભદ્રંભદ્રે કહ્યું, 'જે અસત્યવાદીએ મારું નામ અપરાધીમાં ગણાવ્યું હોય તે મારા બ્રહ્મતેજથી અજ્ઞાત હોવો જોઈએ. બ્રાહ્મણને દેવ, દાનવ ને ગંધર્વ નમે છે, તો મનુષ્યની શી ગણતરી છે ? મારા તેજને બળે હું અદૃશ્ય થઈ જતો રહી શકું છું. પણ, તેમ કરું તો આ રક્ષકો શિક્ષાપાત્ર થાય માટે દયા આણીને જ હું તેમને વશ રહું છું. મારા તેજના બળે આ સર્વ અધિકારીવર્ગને બાળીને ભસ્મસાત્ કરી શકું છું. પણ તેમ હું કરું તો આ દુષ્ટો પણ શિક્ષા પામ્યા વિના છુટી જાય માટે જ તેમને યોગ્ય દશાએ પહોંચાડવા હું મારો કોપ શમાવું છું. તો મારા જેવા તેજસ્વીને પૂરી રાખવાથી શો લાભ છે ? મારા જેવા મહાપુરુષને જગતનું કલ્યાણ કરતાં અટકાવી નિયંત્રણમાં રાખશો અને રક્ષકોને મારો સંસર્ગ કરાવશો તો તમને હાનિ એ થશે કે સર્વે રક્ષકોને હું ઉપદેશ કરી સુધારાના પક્ષમાંથી આર્યપક્ષમાં લઈ લઈશ અને તમારી સેવા મૂકી દઈ તેઓ સંન્યાસી થઈ જશે. શ્યામ વસ્ત્ર તજી દઈ ભગવાં ધારણ કરશે અને રાત-દિવસ મારી કથા શ્રવણ કરતાં મ્હોં પહોળાં કરી દિગ્મૂઢ જેવા મારી સમક્ષ બેસી રહેશે. માટે મુક્ત કરવામાં તમને જ લાભ છે. એ ધ્યાનમાં લો.'

ભદ્રંભદ્રના આ પ્રમાણબળથી મૅજિસ્ટ્રેટ અને રક્ષકવર્ગ નિરુત્તર થઈ લજ્જા પામી નીચું જોઈ રહેશે અને એમને છોડી દેવાની આજ્ઞા એકદમ કરશે, પણ તે મહોટે સ્વરે કહેવાની તેમનામાં હિંમત નહિ રહે, એમ ધારી મંદ શબ્દ સાંભળવા મેં કર્ણને તત્પર કર્યા. પણ મૅજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને એટલું જ કહ્યું કે 'વધારે બકબકાટ કરીશ તો કોર્ટના અપમાન માટે સજા કરવામાં આવશે.'

પોલીસને બીજે દિવસે સર્વેને ફરી હાજર કરવાનો હુકમ કર્યો. ફરી હાજર કર્યા ત્યારે ભદ્રંભદ્રના મિત્રોએ અમને જામીન પર છોડવાની અરજ કરી. ભદ્રંભદ્રની વર્તણૂક શાંત થઈ હતી તેથી વાંધો ઓછો હોવાથી અમને છોડ્યા.