આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩.  : જામીન પર - વિધવાવિવાહ

કોર્ટ બહાર આવી કેટલેક દૂર જઈ ભદ્રંભદ્રે પોતાના મિત્રને ભાષણ કરવા એકઠા કર્યા. જોવા આવેલા લોકો પણ એકઠા થયા. સર્વ પર દષ્ટિ ફેરવી જઈ ભદ્રંભદ્ર બોલ્યા:

'આર્યો, હું તમને સર્વને ઓળખતો નથી પણ તમે સર્વ મને ઓળખો છો એમાં સંશય નથી. કેમકે, હું ધર્મવીર થયો છું એ વાત જગત્ પ્રસિદ્ધ છે. પ્રલયકાળે જેમ માછીઓ ઠેર ઠેર દેખાય તેમ સુધારાના ઉત્પાત સમયે, મારા ગુણ સ્થળે સ્થળે પ્રગટ થયા છે. મારા ધર્મવીરત્વનો પ્રકાશ થતો જોઈ સુધારાવાળા પોતાના યત્નને જ નિંદવા લાગ્યા છે. સુધારાવાળાઓએ જ મને આપત્તિમાં આણવાનો આ પ્રયત્ન કર્યો છે.'

વાઘરી, ભંગિયા અને મુસલમાન લોકોનો વિશેષ જમાવ થવા લાગ્યો અને તે જોઈ ભદ્રંભદ્રની વક્તૃત્વશક્તિનો ઉલ્લાસ થવા લાગ્યો. ખભા ઊંચા કરતા અને ખોંખારા કરતા તે મ્હોટે ઘાંટે બોલ્યા :

'મારી આ આપત્તિને ઉત્પન્ન કરનારું સુધારાવાળાનું કાવતરું શોધી કાઢવું કઠણ નથી. સર્વને વિદિત છે કે સુધારાવાળાઓ આ દેશની જીવતી અને મરી ગયેલી સર્વ વિધવાઓનું પુનર્લગ્ન કરાવવા ભારે પ્રયત્ન કરે છે. એકેએક વિધવાને જોરજુલમથી પરણાવી દેવાનો કાયદો કરવાનું તેઓ સરકારને કહે છે અને તે માટે જ વસ્તીપત્રકો થાય છે અને મરણની નોંધ લેવાય છે કે કેટલી જીવતી અને મરી ગયેલી વિધવાઓ માટે વર જોઈશે તે નક્કી કરી શકાય. આ દેશને સુભાગ્યે હજી લોકોમાં એટલું આર્યત્વ રહેલું છે કે વરની સંખ્યા આ સર્વ માટે જોઈએ તેટલી મળી નથી. પાશ્ચાત્ય પ્રજાઓની અનાર્ય વિપરીત વૃત્તિ ગમે તેવી હોય, પણ આર્યપ્રજામાં તો મૃત વિધવાઓ સાથે લગ્ન કરવાને કોઈ તૈયાર થતું નથી. તેથી જ દીર્ઘદૃષ્ટિ વાપરીને આપણા ડાહ્યા પૂર્વજોએ આજ્ઞા કરી છે કે વિધવાઓના કેશનું મુંડન કરવું, વિધવાઓને અપશુકનવાળી ગણવી, શાપિત ગણવી, તેમને તિરસ્કારપાત્ર માનવી, આહાર ઓછો કરી તેમને કૃશાંગ કરવી, વિરક્ત વૃત્તિનું સર્વ કામ તેમની પાસે કરાવવું, એટલે રિબાઈને અને ક્ષીણ થઈને તેઓ વહેલી મરણ પામે કે તે સુધારાવાળાના અનાર્ય વિચારની પ્રવૃત્તિ થઈ ન શકે. સદૈવ હું વિધવા પુનર્લગ્નના દુષ્ટ પ્રયત્નોની સામો થાઉં છું તેથી મારી જિહ્વાના પ્રભાવે એ પ્રયત્નનો હવે થોડા સમયમાં અંત આવશે; આથી સુધારાવાળાને ભીતિ લાગે છે, તેથી લોકો મને ઘડી ઘડી પીડા કરવાના પ્રયત્ન કરે છે. પણ જેમ યજ્ઞ કરનાર ઋષિઓને ક્ષત્રિયો રાક્ષસોની બાધામાંથી મુક્ત કરે છે તેમ આર્યધર્માર્થ મહાપ્રયાસ કરનાર મારા શરીરને મારા ઉત્સાહી વિચારો, મારાં બંધન ઇત્યાદિની પીડાને સમયે શાંતિ આપે છે. એ પીડા મારા પર દ્વેષ રાખી મૂળમાં સુધારાવાળાઓ ઉત્પન્ન કરે છે એમાં લેશમાત્ર સંશય નથી. જુઓ વિધવાઓના દેહકષ્ટની સાધના સારુ હું ઉપદેશ કરું છું કે, વિધવાઓએ પ્રતિદિન વ્રત પાળવામાં અને ઉપવાસ તથા ફરાળ કરવામાં આયુષ કાઢવું. આથી વ્રતના પુણ્યની હાનિ કરવાના ઉદ્દેશથી સુધારાવાળાઓએ