આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમે પણ તેમાં દાખલ થઈ ગયા. કોઈ 'ત્રવાડી' હજી આવ્યા કેમ નથી એ વિશે વાત ચાલી. કોઈએ કહ્યું કે 'એમની તો સુધારાવાળાને ત્યાંયે થોડી બેઠક ખરી એટલે તે વખતે ત્યાં રોકાયા હશે.'

પૂર્વના નંદીરૂપ બોલ્યા, 'બેઠક શાની ત્યાં તે કંઈ આવી સભા ભરાય છે અને ગમ્મત થાય છે? ત્રવાડીને તો હમણાં ગરજ છે તેથી જાય છે, સુધારા તરફ એનું વલણ જરાયે નથી. અક્કલ ન હોય તે સુધારામાં મળે. હું કૉલેજમાં ભણતો ત્યારે સ્ત્રીકેળવણીની હિમાયત કરતો અને તેના લાભ વિષે ભાષણો આપતો. પણ તે તરંગ બદલાઈ ગયા. જ્યારથી માલમ પડ્યું કે એ પ્રયત્ન તો સુધારાવાળાનો ખાસ છે અને તેની બધી કીર્તિ સુધારાવાળાને મળી ચૂકી છે ત્યારથી હું સ્ત્રીકેળવણી વિષે હાસ્ય અને તિરસ્કારની વૃત્તિથી વાત કરું છું. નોકરીના સંબંધમાં બોલવું લખવું પડે તે જુદી વાત છે. પણ અંદરથી હું સ્ત્રીકેળવણીની વિરુદ્ધ છું, કોઈ વખત હાલની સ્ત્રીકેળવણીની પદ્ધતિ ખોટી છે એમ કહી તેમાંથી ખસી જાઉં છું અને કોઈ વખત વધારે સારી પદ્ધતિ કઈ તે બતાવવાનું આવે ત્યારે એકે પદ્ધતિ સમૂળગી બતાવવાનું માંડી વાળું છું. કોઈ વખત એમ કહી પતવી દઉં છું કે 'સ્ત્રીઓને તો ખાસ ધર્મશિક્ષણ જોઈએ, કેમ કે પુરુષોને ધર્મની એટલી બધી જરૂર નથી.' સ્ત્રીઓ ભણે કે ન ભણે તેમાં આપણે કંઈ પંચાત નથી. પણ સુધારાવાળાનો પ્રયત્ન છે માટે જેમ બને તેમ પથરા નાંખવા. એટલે લોકોને કહેવાય કે અમે તમારી બધી જૂની રીત જ પસંદ કરીએ છીએ અને ભણેલાને કહેવાય કે લોકો હજી અજ્ઞાન છે અને સારી સ્થિતિને લાયક નથી.'


૧૫ : ભૂતમંડળમાં પ્રવેશ

એકદમ ઊભા થઈ ભદ્રંભદ્ર બોલ્યા, 'આ સમયે મને જે હર્ષ થાય છે તેની આગળ સર્વ અપાર વસ્તુઓ સપાર છે. આપ સર્વ સુધારાના શત્રુ છો અને તેથી પણ વધારે સુધારાવાળાના શત્રુ છો એ જાણી મને જે આનંદ થાય છે તે પારાવારમાં માઈ શકે તેમ નથી. આપ સૌનું આર્યત્વ, આર્યપક્ષત્વ, આર્યપક્ષવાદત્વ, આર્યપક્ષવાદલીનત્વ, આર્યપક્ષવાદલીનાભિમાનત્વ, આર્યપક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિત્વ, આર્ય પક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિનિર્ભયત્વ જોઇ મારા હૃદયમાં જે ઉલ્લાસનો પ્રવાહ વહે છે તે જોઇ કોડિયાના દીવાથી માંડીને દાવાનલ સુધી હરકોઇ અગ્નિને સમાવી નાખવા સમર્થ છે. માત્ર જઠરાગ્નિને શાંત કરવા તે અશક્ત છે. તેનું કારણ હું ટૂંકામાં જ કહી દઈશ, કેમકે મારો અને આપનો કાળ અમૂલ્ય છે અને હજી બીજાં કાર્યનું સાધન મારે કરવાનું છે. વળી દરેક વાત ટૂંકામાં કહી દેવાના અનેક લાભ છે અને તે વિષે મારે પ્રથમ વિસ્તારથી વિવેચન કરવું આવશ્યક છે. એ લાભ બધા મળીને સત્યાશી છે. તેમાં પહેલો જ શીઘ્રસિદ્ધિ નામે છે તેના એકસો તેર ભાગ પડે છે. તેમાં પ્રથમ ભાગ કાળ અને આયુષના સંબંધ વિશે છે અને તેનું પૃથ્થકરણ કરતાં તેનાં ત્રણસેં