આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. ત્રવાડી બેઠા બેઠા કેટલાકના જોડામાં કાગળના ડૂચા ને કાંકરા ભરતા હતા. અમે ગયા એટલે ઊભા થઈને ભૂતેશ્વર તરફ આંગળી કરીને બોલ્યા, 'સંયોગીરાજ તો સૂઈ ગયા છે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'એઓ સંયોગીરાજ કેમ કહેવાય ? એ નામ તો મેં હમણાં જ જાણ્યું.'

ત્રવાડી કહે, 'એઓ જ્ઞાનથી યોગી છે, કર્મથી ભોગી છે, આ સર્વ મંડળના રાજા છે, માટે સર્વગુણનું વાચક "સંયોગીરાજ" નામ તેમણે ધારણ કર્યું.'

ભદ્રંભદ્ર કહે, 'એમના જેવા મહાપુરુષ કોઈક જ હશે, હવે મંડળ ફરી ક્યારે ભરાશે ?'

ત્રવાડી કહે, 'દરરોજ પ્રાત:કાળે અને સાંયકાળે, દીવા થયા પછી મંડળ ભરાય છે.'

બીજે દિવસે સાંયકાળે આવવાનું કહી ભદ્રંભદ્ર ને હું બહારને દાદરેથી ઊતરી ઘેર ગયા.


૧૭ : વિશ્રાન્તિ-વકીલ

ઘેર જઇને મિત્રોને મળ્યા, શત્રુઓને ઘુરકાવ્યા, કારાગૃહમાં કેવું સુખ છે તે સગાંઓને સમજાવ્યું. પોલીસવાળા હવે પસ્તાય છે એમ પાડોશીઓને ખાતરી કરી આપી. ઘેર જઇ હાલ તરત ભદ્રંભદ્ર સાથે ફરવા જવા પાછા આવવાનો મારો વિચાર નહોતો, પણ ભદ્રંભદ્રના આગ્રહ આગળ મારૂં ચાલ્યું નહિ.

બીજે દિવસે સંધ્યાકાળે હું ભદ્રંભદ્રને ઘેર ગયો ત્યારે તે સવારના ભોજન કરીને નિદ્રાવશ થયેલા હતા તે ઊઠ્યા નહોતા. તેમની ભવ્ય મૂર્તિનું નિરીક્ષણ કરતો હું તેમના શયન પાસે બેઠો.

ગરદન લંબાઇ કરતાં ઘેરાવામાં વધારે હોવાથી તેમનું ગોળ માથું બાકીના શરીરથી બહુ આઘું જણાતું નહોતું. તાળવા પાછળની નાની ચોટલી, જાડી અને પહોળી હજામતવાળી ચામડી ઝૂલવાથી બેવડી થયેલી હડપચીને કાળી બિલાડી ધારી સંતાઇ રહેલી ઉંદરડી જેવી દેખાતી હતી. તેઓ ચત્તા સૂતેલા હોવાથી બંને કાનમાંથી લાંબા બહાર નીકળી આવેલા વાળ હિમાલયમાંથી નીકળતી જ્ઞાનગંગા જેવા દીસતા હતા. ઊંચી આવેલી દૂંદના અવરોધને લીધે પદ્મસમ પાદનું દર્શન કરવાના પ્રયત્નમાં નિષ્ફળ થયેલી આંખો વાંસા તરફથી પગ જોવા સારુ ઊંડી ઊતરી ગયેલી લાગતી હતી અને અડધાં ઉઘાડાં રહેલાં પોપચામાંથી જણાતી પણ નહોતી; ઘસીને ચળકતું કરતાં બૂઠું થઇ ગયા જેવું લાગતું નાકનું ચપટું ટેરવું ઊંચું થઇ, જાડાં નસકોરાંને પહોળાં કરી હાથપગને સ્થિર રહેવાને જાણે હુકમ કરી રહેલું હતું, વયના વધારા સાથે ફેલાવાનું કામ લંબાઇને બદલે પહોળાઇમાં પરિપૂર્ણ કરી રહેલા અને ભારવટીઆ પરની