આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા

એ ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા,
અસલ જુગ તો જતા રિયા,
એવી દીધી વાસા પાળો અમ ઘરે આવો આતમરામજી.

આકાશે દેવતા સમરે, હા એ ધણીને પાતાળે ભોરીંગ,
માનવી મ્રૂતલોક સમરે, સમરે સરગાપરનો નાથ.

અંતક્રોડે સાધુ સમરે, હા એ ધણીની મેઘ જપે માળા,
વિશ્વાસ ઊભી વાટનો ભાઈ, એને કંઠડે વરમાળ.

સાહેબના મોલ હીરે જડિયા, હા રે ધણીના રત્ન જડિયા થંભા,
મીરા મો'લ પધારેશે ભાઈ, એને ટોડે નહીં તાળા.

પશ્ચિમના ધણી પાટે પધારો, હા રે જુગપતિ દીધી વાસા પાળો,
લીલુડે ઘોડે ચડી ભાઈ હંસલે ઘોડે ચડી, તારી મેદની સંભાળો.

બોલિયા દેવાયત પંડિત, હા રે જુગમાં કરો જેજેકાર,
કાળીંગારો કોપ ટાળો, સાહેબ સતશણગાર.