આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ

વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ હો જી,
ઓલ્યા સરગની ઉપાધિ કરશે હા...

વીરા હિમનો ડરેલ એક ઉંદર હતો જી હો જી,
તેને હંસલે પાંખુમાં લીધો...હા,

વીરા ટાઢ રે ઊતરીને હંસની પાંખુ રે કાપી જી,
પાંખુ પાડી તે અળગો થયો રે હા.

વીરા સજીવનમંત્ર એક વિપ્રે રે ભણીયો જી હો જી,
તેણે મુવેલો વાઘ જીવાડયો ...હા,

વીરા ઈ રે વાઘ રે વિપ્રને માર્યો જી હો જી,
પડકારીને પેલે રે થાપે રે હા.

વીરા દુધ ને સાકર લઈને વસિયલ સેવ્યો જી હો જી,
તનમનથી વખડાં નવ છાંડયા...હા,

વીરા અજ્ઞાની જીવને તો જ્ઞાન નહીં આવે જી હો જી,
ભલે વાંચીને વેદ સંભળાવે હા.

વીરા ભવના ભુખ્યા રે નર તો ભમે રે ભટકતાં જી,
એના લેખ તો લખાણા હોય અવળા રે હા,

દેવલ ચરણે દેવાયત પંડિત બોલિયાં જી,
ઈતો સમજેલ નરથી સવાયા હા.