આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આનંદo- મહારાજ, મ્હારે ને એને પૂરી મ્હોબત છે. મ્હારે સારૂ તો એ મુંગી થઇને બેઠી છે. બચારી રાંક બહુ દુખ-એને ગમે તે ઓસડ કરશો, પણ બોલવાની નથી.

ભોળાo - કહેવત છે કની કે, "ઊંધતો બોલે, પણ કંઇ જાગતો બોલવાનો છે." મ્હેં તો નાડ જોઇ ત્યાંથીજ ઢોંગ પકડી કહાડ્યોતો, પણ કોણ કહે? વૈદનો અને વેશ્યાનો ધંધો બરાબર, સઘળાનાં મન જુઠ્ઠું સાચું કરીને રાખવાં પડે.

આનંદo - વૈદરાજ, તમે તો અશ્વિનિકુમાર જેવા સર્વજ્ઞ છો, પણ મારા દુખ તરફ કૃપા દૃષ્ટી કરો.

ભોળાo - કીધી. માગ માગ જે માગે તે આપું; હું તુષ્ટમાન થયોછઉં.

આનંદo - ત્યારે, મહારાજ, ચંદા સાથે એક પાંચ મિનિટ મ્હારે વાત થાય એવું કરો.

ભોળાo - તારી મતલબ શી છે તે કહે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૈદ્ય, ગુરૂ, ને રાજા આગળ પડદો રાખવો નહિ.

આનંદo - મહારાજ, મ્હારે એટલું કહેવુ છે કે સરકારમાં જાઉં તો ત્યાં તું ખુલ્લું કહેજે મ્હારો બાપ મને પરાણે પરણાવે છ. ત્યાં આ અરજી બરજી સઘળું તૈયાર છે, અને માજીસ્ટ્રેટની સ્વારી પણ આ ગામની પાસે જ પડી છે.

ભોળાo - એવાં કામમાં તે સરકાર વચ્ચે પડે?

આનંદo - શા માટે નહિ? પીનાલકોડની કલમ બરબર લાગુ પડે છે. પુખ્ત ઉંમરની છોકરીને મરજી ઉપરાંત પરણાવવી એમાં ને ગુલામ વેંચવામાં શો ફેર?

ભોળાo - અરે ઓ કામાંધ મનુષ્ય, અહીયાં તો ગાયકવાડ સરકારનું ધર્મરાજ છે.

આનંદo - પણ એ તમારા અધર્મ રાજથી અંગ્રેજી રૈયતપર અધર્મ નહિ થાય તો.

ભોળાo - ભલું ત્‍હારૂં અંગરેજી રાજ કે ત્યાં અરજી નોંધાતાં નોંધાતાં તો નથ્થુકાકા પરણી પણ બેસશે અને અઘરણી પણ આવશે.

આનંદo - (માથું અફાળી) ત્યારે હું શું કરૂં? બધે ઠેકાણેથી હું હારીને આવ્યો છઉં, તમે મળ્યા તે પણ દુઃખ મટાડવાને બદલે વધારો છો.

ભોળાo - (હસીને) વૈદ્ય તો એમ જ કરે. (વિચાર કરીને) વારૂ, હું તારા અંગરેજ કે રંગરેજ વગર જ તને પરણાવી આપું તો.

આનંદo - ત્યારે તો હું તમને પરમેશ્વર પ્રમાણે પૂજૂં. કહો તે આપું, પાંચશે પહોળીયાં રોકડા. ખૂશબખ્તી જૂદી.

ભોળાo - પણ હું જેમ કહું તે પ્રમાણે કરવું પડશે હો.

આનંદo - હહેશો તે કરીશ. હું જીવ જવાથી પણ ડરતો નથી. ગમે તેમ પણ ચંદા મળેછ?

ભોળાo - ઘેલા, જીવગયા પછી ચંદાને શું કરવાનો હતો? પણ વારૂ, પેલા ઠુમગશાહ તને ઓળખે છે?

આનંદo - હા, ચંડાળ ઓળખે છે તો ખરો.