આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩


આજ્ઞા હોય તો આપના વચનને ધકકો ન લાગતાં માતાજી પ્રસન્ન થાય એવી એક યુક્તિ મને સૂઝી છે તે જણાવું.” આ સાંભળી સૌ કોઈ એ બાળકને અજાયબી ભરેલી નઝરે જોવા લાગ્યા. બાદશાહે છોકરાને તે યુક્તિ કહી સંભળાવવા કહ્યું એટલે સુપ્રનાથે કહ્યું “મહારાજ ! જે બહુરૂપીએ વાધને વેશ લીધો હતો, તેને સતીનો વેષ લેવાનું કહો એટલે તમારા વચનને કાંઈ પણ અડચણ ન આવતાં તેનો પ્રાણ જશે અને માતાજી પણ પ્રસન્ન થશે.

આવા ન્હાની ઉમ્મરના છોકરાએ બતાવેલી એ આબાદ યુક્તિએ સર્વના મોઢે ' શાબાશ, શાબાશ ' કહેવડાવ્યું, બાદશાહે બહુરૂપીને બોલાવી સતીનો વેષ લેવા કહ્યું. બહુરૂપી આ હુકમ સાંભળતાં જ મનમાં સમજી ગયો કે ' હવે મોત આવી પહોંચ્યું છે.' તેણે બાદશાહને કહ્યું “ જહાંપનાહ ! કાલે આપની આજ્ઞા પ્રમાણે સતીનો વેષ લઇશ.” એમ કહી તે ઘેર ગયો અને બાલબચ્ચાંને પાસે બોલાવીને સર્વ વાત અથઇતિ કહી સંભળાવી, આશ્વાસન આપ્યું. બીજે દીવસે તે મરવાની સઘળી તૈયારી કરીને જ રાજબાગમાં ગયો. એ દિવસે ત્યાં લોકોની પણ ભારે મેદની ભરાઈ હતી. બાગની વચ્ચોવચ્ચ ચીતા ખડકી હતી. થોડી વારમાં પેલો બહુરૂપી સતીનો વેષ લઈને આવી પહોંચ્યો. તેણે શરીર જરીનો સાળુ પહેર્યો હતો, માથાના કેશ છૂટા કર્યા હતા. કપાલમાં કંકુની આડ કરી હતી અને 'જય રણછોડ, જય રણછોડ' કરતો આવતો હતો તે પ્રેક્ષકોમાં જેઓ બ્રાહ્મણ હતા તેમને દક્ષિણા આપી, સતીના ધર્મ પ્રમાણે દાન કર્યું અને પછી ચીતાની પ્રદક્ષિણા કરી જેવો જ તે તેમાં પડવા જતો હતો એટલામાં બાદશાહની માતાએ તેને પકડી લેવાની આજ્ઞા કરી અને દાસી સાથે તેને શાબાશી આપવા સાથે કહેવડાવ્યું ' ધન્ય છે તને ? તારો વેષ તેં યથોચિત રીતે ભજવ્યો, હવે બસ કર. મારા ભાઈના નસીબમાં એવા જ પ્રકારે મોત લખાયું હશે, એમાં તારો લગારે દોષ નથી. માટે હવે તું તારો જીવ નકામો દઈશ નહીં.”