આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
બાદશાહ બન્યો.

વાર્તા ૭૧.

બાદશાહ બન્યો.

વૃદ્ધાવસ્થામાં બાદશાહ વાળને કાળા બનાવવા માટે ખિઝાબ લગાડતો હતો. એક દિવસે બપોરે તે ખિઝાબ લગાડતો બેઠો હતો એવામાં બીરબલ ત્યાં આવ્યો, એટલે બાદશાહે પૂછ્યું “ બીરબલ ! ખિઝાબથી દમાગ (મગજ- ભેજા) ઉપર તો કાંઈ નુકસાન થતું નથી? ” બીરબલ બોલ્યો “નામદાર ! ખિઝાબ લગાડનારને દમાગ હોતું જ નથી એટલે પછી તને નુકસાન પહોંચવાની વાત જ ક્યાં રહી ! ?”

બાદશાહે આશ્ચર્ય પામી કહ્યું “એમ કેમ ? દમાગ નથી હોતું એની શી સાબિતી?” બીરબલે કહ્યું “ જહાંપનાહ ! જો દમાગ હોય તો બનાવટી સુન્દરતા અને યુવાની આણવાની વૃથા મહેનત શા માટે કરે ?” આ જવાબ સાંભળી બાદશાહ નિરૂત્તરજ થઈ ગયો.

વાર્તા ૭૨.

બીરબલ પારસ છે.

એક પ્રસંગે ઈરાનનો શાહઝાદો અકબરને મળવા આવ્યો હતો, ત્યારે તેણે બાદશાહને પૂછ્યું “શું આપની પાસે પારસમણિ છે?” બાદશાહે તરતજ બીરબલનો હાથ પકડી કહ્યું “ આ રહ્યું પારસમણિ ! ! ” અને તત્કાળ આ દુહો કહ્યો:—

ઉદ્યમસે લક્ષ્મી મિલે, મિલે દ્રવ્યસે માનઃ
દુર્લભ પારસ જગત્‌મેં, મિલનો મીત સુજાન.